Home SURAT ગુજરાતના ઔદ્યોગિક વિકાસની ઐતિહાસિક ક્ષણ: ટેક્ષ્ટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણ

ગુજરાતના ઔદ્યોગિક વિકાસની ઐતિહાસિક ક્ષણ: ટેક્ષ્ટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણ

47
0
ક્રાંતિ સમય

નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ.

સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર

મુખ્યમંત્રીશ્રી:-
 રાજ્યના ટેક્ષ્ટાઈલ સેક્ટરના વિકાસની નવી દિશા ખૂલશે: રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મોટી ઉપલબ્ધિ
 ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે.
 દેશભરના ડેનિમ કાપડનું ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે

 પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું વિઝન સાકાર કરશે

કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલ
 પી.એમ. મિત્ર પાર્કથી સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે

 વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે

વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત નિર્માણ’ના વિઝનને સાકાર કરવાનો PM મિત્ર પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

ઉદ્યોગકારો માટે ગુજરાત સૌથી વધુ સુરક્ષિત રાજ્ય: રોકાણ માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે: સાંસદ સી.આર. પાટીલ

પી.એમ. મિત્ર પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનશે

વાંસીબોરસી પાર્કથી આશરે ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે, જેના ભાગરૂપે ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત એમ.ઓ.યુ. સમારોહમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. વાંસીબોરસીમાં સાકાર થનાર આ પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે. વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પાર્ક ટેક્ષ્ટાઈલ સેક્ટરની તંદુરસ્ત હરિફાઈને ઉત્તેજન આપી નિકાસને વેગ આપશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ગ્લોબલ ટેક્ષટાઈલ હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દુનિયાના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક કાપડ ઉદ્યોગને વર્તમાન સમય અનુરૂપ અને આવનારા સમય સાથે તાલમેલ સાધવા આધુનિકીકરણનો માર્ગ અખત્યાર કર્યો છે.‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસ પથ પર આગળ વધી હોલિસ્ટીક ડેવલપમેન્ટ માટે સજ્જ બન્યા છે જેનો આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. વિકાસની તેજ ગતિથી પીએમ મિત્ર પાર્ક ‘આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત’નું નવું સીમાચિહ્ન સર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત કાપડ ઉત્પાદન અને વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, અને દુનિયાભરમાં ‘પૂર્વનું માન્ચેસ્ટર’, ‘ટેક્ષટાઈલ સ્ટેટ ઑફ ઈન્ડિયા’ અને ‘ભારતનું ડેનિમ કેપિટલ’ તરીકેની આગવી નામના ધરાવે છે. ગુજરાતની કાપડ ઉદ્યોગની સિદ્ધિઓ વર્ણવતા તેમણે જણાવ્યું કે ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. દેશભરના ડેનિમ કાપડનું ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉપરાંત, કપાસનું ૩૭ ટકા ઉત્પાદન ગુજરાત કરે છે, દેશમાંથી થતી નિકાસમાં ૬૦ ટકા ફાળો આપે છે. દેશના કુલ મેન મેડ કોટન ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો પ ટકા છે, જ્યારે સિન્થેટીક ફાઈબરના ઉત્પાદનના કિસ્સામાં સૌથી મોટો ફાળા આપતા રાજ્ય તરીકે વુવન ફાઈબર ઉત્પાદનમાં 30 ટકા ફાળા સાથે અગ્રસ્થાને છે.
જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસ પાર્ક, ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપેજ રિસાયકલિંગ પાર્ક, મોરબીમાં સિરામીક પાર્ક અને બનાસકાંઠામાં એગ્રો ફૂડ પાર્ક સહિત અનેક નવા ઔદ્યોગિક પાર્ક આગામી સમયમાં ગુજરાતની વિકાસગાથાને વધુ ઉજ્જવળ બનાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસલક્ષી નીતિ વર્ણવતા કહ્યું હતું.

તેમણે કહ્યું કે, પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું વિઝન સાકાર કરશે. ટેક્ષ્ટાઈલ પાર્ક માટે નવસારી જિલ્લાનું વાંસીબોરસી સર્વાધિક અનૂકુળ હોવાથી પસંદ કર્યું છે, અહીં ૧૧૪૧ એકરમાં સાકાર થનાર પાર્ક દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિકાસની નવી રાહ કંડારશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ પીએમ મિત્ર પાર્કની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરવા બદલ વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક એક આગવું ઔદ્યોગિક મોડેલ બનશે, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કાપડ ઉદ્યોગમાં રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા, ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ઉદ્યોગ પ્રોત્સાહન નીતિ હેઠળ આપવામાં આવતા તમામ લાભો પાર્કમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીશ્રીએ ગુજરાતના ચોમેર વિકાસની સરાહના કરતા કહ્યું કે, ગુજરાત લોજીસ્ટીક, નેશનલ સ્ટાર્ટ અપ ઈન્ડેક્સ, ગુંડ ગવર્નન્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નિકાસ જેવા ક્ષેત્રોમાં અવ્વલ છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. પી.એમ. મિત્ર પાર્કથી નવસારી જિલ્લામાં વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના યશસ્વી નેતૃત્વમાં ભારતની વિદેશનીતિનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ચૌમુખી વિકાસની હારમાળા સર્જનાર વડાપ્રધાનશ્રીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન સમગ્ર અમેરિકન સંસદ, સ્થાનિક જનતા દ્વારા અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરાયું, ‘નરેન્દ્રભાઈ ઈઝ ધ બોસ’ એવા ઉદ્દગારોથી તેમને બિરદાવવામાં આવ્યા, જે દરેક ભારતીય માટે ગૌરવભરી ઘટના હોવાનું શ્રી ગોયલે કહ્યું હતું. કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત નિર્માણના વિઝનને સાકાર કરવાનો અને વૈશ્વિક કાપડના નકશા પર ભારતને મજબૂત સ્થાન આપવાનો છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, PM મિત્ર યોજના વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે. ભારત સરકારે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા અને નિકાસ વધારવા માટે ટેક્ષ્ટાઈલ ઉત્પાદનો, એટલે કે MMF એપેરલ, MMF ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ ઉત્પાદનો માટે ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે, ત્યારે આ યોજનામાં જોડાયેલા ૮૬ પૈકી ૧૩ ઈન્વેસ્ટરો માત્ર સુરતના છે.

ગુજરાતના ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી લઈને હાલની સ્થિતિએ પણ હંમેશા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે. તેઓની દુરંદેશીતા અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય વિકાસના પથ પર સતત આગળ વધી રહ્યું છે. તેમાં પણ સમગ્ર દેશમાં નિર્માણ પામનારા ૭ પી.એમ. મિત્રા પાર્ક પૈકીનો એક પાર્ક ગુજરાતને મળ્યો જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. ભારત સમગ્ર વિશ્વમાં વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં ગુજરાતનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં રોકાણ માટે વિશ્વના રોકાણકારો આગળ આવી રહ્યા છે. તેના કારણે ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે અનેક સફળતાઓ સાંપડી છે. મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં નાગરિકો માટે રોજગારી સર્જન કરવા સાથે દેશના જીડીપી ગ્રોથ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સતત પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે. પર્યાવરણની જાળવણી સાથે રોજગાર સર્જનમાં અગ્રેસર ગુજરાતમાં રોકાણકારોને આવકારી ૧૦૦ દિવસનો લક્ષ્યાંક નક્કી કરતા અનેક એમ.ઓ.યુ. કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પણ બળ પુરૂં પાડ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

દેશની વસ્તીમાં પાંચ ટકા, અને ભૌગોલિક ક્ષેત્રફળમાં છ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશની જી.ડી.પી.માં ૮.૪ ટકાનું માતબર યોગદાન આપે છે એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, PM મિત્ર પાર્કની પરિકલ્પનાથી વડાપ્રધાનશ્રીએ માત્ર વર્તમાન વ્યાપારી સમૂહોની જ નહીં, પણ ભાવિ પેઢીના સોનેરી ભવિષ્યને સુનિશ્ચિત કર્યું છે. આહવાથી ઉભરાટને જોડતા બ્રિજને પણ મંજૂરી મળી ચૂકી છે. દેશના સાત પાર્ક્સ પૈકી વાંસી બોરસી પાર્ક ઝડપભેર સાકાર થાય એવા સઘન પ્રયાસો કરીને અગ્ર સ્થાને રહેવાનો દ્રઢ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, ઉદ્યોગકારો, વ્યાપારીઓ રજૂઆતો કે માંગણી કરે એ પહેલા જ તેમની માંગણીઓને પારખી લઈને માંગ્યા વિના જ સુવિધાઓ આપવાની કાર્યપદ્ધતિ રાજ્ય સરકારે વિકસાવી છે. દર વર્ષે માત્ર ત્રણ ટકા જ પાણીમાં ભાવ વધારો થાય એવો ઉદ્યોગકારોને અત્યંત રાહત આપતો નિર્ણય એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઉદ્યોગકારોની આ પાર્કમાં રોકાણ માટેનો ઉત્સાહ અને માંગ જોતા ૧૧૪૧ એકર જમીન ઓછી પડશે જેથી હજુ વધુ જમીનની તીવ્ર આવશ્યકતા રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી પાટિલે જણાવ્યું કે, ઉદ્યોગકારો માટે વ્યવસાયની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સૌથી વધુ અનૂકુળ રહ્યું છે. ગુજરાત તેમના માટે રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રે સ્કીલ્ડ લેબર સૌથી વધુ પ્રમાણમાં સુરતમાં ઉપલબ્ધ છે જેનાથી રાજ્યની અર્થવ્વસ્થાને મોટો લાભ થશે.આ વેળાએ PM મિત્ર પાર્કના વિઝન અને મિશનની વિગતો આપતા બ્રોશરનું મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ‘PM મિત્ર યોજનાની જાણકારી આપતી વિડીયોફિલ્મનું નિદર્શન સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં અગ્રણી ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારશ્રી પુનિત લાલભાઈ(અરવિંદ મિલ) અને બાલકૃષ્ણ ગોએન્કા(વેલસ્પન ગ્રુપ) એ PM મિત્ર પાર્ક અંગે ખુશી વ્યક્ત કરી પ્રોત્સાહક પ્રતિભાવો આપ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ઉત્સાહ રૂચિ દર્શાવી હતી.

પ્રારંભે કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રાલયના સચિવશ્રી રચના શાહે સ્વાગત ઉદ્દબોધન કરી મહાનુભાવોને આવકાર્યા હતા અને પી એમ મિત્ર પાર્કની વિસ્તૃત રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે રાજ્યના ઉદ્યોગ વિભાગના સચિવશ્રી એસ.જે.હૈદરે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી કે.સી.પટેલ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી એમ.કૈલાસનાથન, GIDCના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડો.રાહુલ ગુપ્તા, મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, GIDCના જોઈન્ટ ડિરેક્ટરશ્રી એન.કે.મીણા સહિત ધારાસભ્યશ્રીઓ, GIDC ના અધિકારીઓ સહિત કાપડ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here