Home SURAT મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મનપા, સુડા, અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના જનહિતલક્ષી...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મનપા, સુડા, અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના જનહિતલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

51
0
ક્રાંતિ સમય

વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આયોજનબધ્ધ રીતે જે કામ કરી શકે તે આગળ વધી શકે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતે પુરૂ પાડયું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા રૂ.૪૦૩.૦૩ કરોડના ખર્ચે નિર્મિત આઉટડોર રિંગરોડ અને તાપીબ્રિજનું લોકાર્પણ

રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના ૧૩ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણઃ

રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરીના બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને માર્ગ-મકાન વિભાગના રૂ.૫૦૨.૩૪ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે.
લોકોનુ જનજીવન સહજ અને સરળ બને તે માટે નરેન્દ્રભાઈ મોદીએ ઈઝ ઓફ લિવિંગની કાર્યપ્રણાલી અપનાવી છે. સુરત શહેર આયોજનબધ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જે આયોજનબધ્ધ આગળ વધે છે તેના વિકાસને કોઈ રોકી શકતુ નથી. ૧૯૯૫માં રાજયનું બજેટ ૧૨,૦૦૦ કરોડનું હતું. જે આજે વધીને ત્રણ લાખ કરોડે પહોચ્યું છે. લોકોની સુખાકારી વિકાસ માટે જેટલા નાણા માંગો તે આપવા સરકાર તૈયાર છે.

સુરત સતત આગળ વધતું શહેર છે. સૌથી વધુ ફલાય ઓવર બ્રીજ તરીકે જાણીતું છે. પી.એમ.મિત્રા પાર્કના એમ.ઓ.યુ. આજે કરવામાં આવ્યા છે અને યોગનો વિશ્વવિક્રમ પણ સુરતે પોતાના નામે અંકિત કર્યો છે. તાજેતરમાં નર્મદા અને તાપી જિલ્લાના બોર્ડર વિલેજના ગામડાઓની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી રોડ-રસ્તા, આરોગ્ય સહિતની ઈન્ફ્રાસ્ટ્રકચર સવલતો પહોંચી છે. દેશ અને રાજયમાં માત્ર વિકાસ અને વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતમાં થઈ રહેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, ૨૦૧૪ના વર્ષમાં પાંચ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક હતું જે આજે ૨૦ જેટલા શહેરોમાં ડેવલપ થયું છે. છ લાખ મધ્યમ વર્ગના લોકો માટે ક્રેડિટ લીંક સબસિડી યોજના આર્શીવાદરૂપ બની છે. ઉડ્ડાન યોજના હેઠળ દેશના સેકન્ડ અને થર્ડ શહેરો હવાઈ પરિવહન સાથે એક પછી એક જોડાયા છે.

સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.૪૬.૧૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.૪૦૩ કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે તૈયાર થયેલા આઉટડોર રિંગરોડના તથા તાપી નદી પર વાલક ખાતેના બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત રૂ.૩૩.૦૮ કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.૨૦.૧૩ કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સુરત વિશ્વના ઝડપી વિકસતા શહેરોમાં નામના ધરાવે છે. ગમે તેવી આફતને અવસરમાં પલટાવી દેવા માટે સુરતીઓ જાણીતા છે. સમસ્યાઓનો સામનો કરવોએ સૂરતની આગવી તાસીર રહી છે. વિશ્વ ફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલક્ષેત્રે જાણીતુ સૂરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે.

આઉટડોર રીંગરોડ એ વિકાસનો ફાસ્ટટ્રેક છે તેમ જણાવીને શહેરના આઈકોનીંક પ્રોજેક્ટો સાકાર થવાથી શહેરનો વિકાસ વધુ ઝડપી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આ અવસરે સાંસદશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સુરત શહેર વિકાસનું શ્રેષ્ઠ મોડલ બન્યું છે. એક પછી એક નવા ઉમેરાતા નવીન પ્રકલ્પો સાથે સુરતમાં આવતા મહેમાનોને દર વખતે વિકાસની એક નવી ભેટ જોવા મળે છે. ૧૦ જેટલા આઈકોનિક પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોય તેવુ સૂરત શહેર દેશમાં પ્રથમ છે તેમ ઉમેરતા સાંસદશ્રીએ શહેરીજનોના સાથ સહકાર તેમજ સરકાર અને પાલિકા દ્વારા થઈ રહેલા સંયુક્ત પ્રયાસોને આવકાર્યા હતા.
આ અવસરે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પુરી પાડી રહ્યું છે. કોરોનાકાળના કારણે ધણા દેશોનો વિકાસ મંદ પડયો છે ત્યારે ભારત સહિત ગુજરાતનો વિકાસ તેજ ગતીએ ચાલી રહ્યો છે તે આ સરકારની મોટી ઉપલબ્ધિ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે ટેક્સટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડિયા, સંદિપભાઈદેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા,મનુભાઈ પટેલ, કાંતિભાઈ બલર, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, શાસકપક્ષ નેતા અમિતસિંહ રાજપુત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કોપોર્રેટરશ્રીઓ, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here