વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિજ્ઞાન, કળા અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવેલા સાયન્સ સેન્ટર અને આર્ટ ગેલેરીનો પાલિકાએ ધંધાદારી ઉપયોગ શરુ કરી દીધો છે. સુરત પાલિકાની આર્ટ ગેલેરીમાં માત્ર સુરતના જ નહીં પરંતુ અન્ય જગ્યાના કલાકારો પણ પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. આ આર્ટ ગેલેરીમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કલાનું પ્રદર્શન યોજાયું હતું અને સંખ્યાબંધ કલાકારોને પ્રોત્સાહન મળતું હતું. થોડા સમય પહેલાં જ આ આર્ટ ગેલેરીમાં રામાયણના દ્રષ્યો દ્વારા પ્રદર્શિત કર્યા હતા. આ કળા પ્રદર્શનને અનેક લોકો માણવા આવ્યા હતા. આ ઉપરાંત એક કલાકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્વાસ પેઈન્ટીંગ બનાવ્યા હતા તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
શહેરમાં વિવિધ કલાઓમાં નિપુર્ણ કલાને પ્રોત્સાહન આપવા તથા તેમની કલા માટે પ્રદર્શન યોજાય તે માટે સુરત પાલિકાના સાયન્સ સેન્ટરમાં બનાવવામાં આવેલી આર્ટ ગેલેરી હવે સેલ ગેલેરી બનાવી દેવામાં આવી છે. પાલિકાના સાયન્સ સેન્ટરમાં આર્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવેલી ગેલેરીમાં શુઝ અને કપડાનો એક્સપો (સેલ) શરૂ થઈ રહ્યો છે. પાલિકાએ કળાના બદલે ધંધાદારી સેલ શરૂ કરી દેવાતા આર્ટ ગેલેરીનો અર્થ બદલાઈ ગયો છે. થોડા સમય પહેલાં જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનાવેલા કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન હતું તે જગ્યાએ સમર ગારમેન્ટ અને શુઝ એક્સપો સેલ શરૂ થઈ રહ્યો છે.
સુરત પાલિકાના ભાજપ શાસકો અને તંત્રએ કલાને પ્રોત્સાહન આપવાના બદલે આર્ટ ગેલેરીનો ધંધાદારી ઉપયોગ શરૂ કરી દીધો છે. તા. ૨૪/૦૬/૨૦૨૩ થી આ આર્ટ ગેલેરીમાં બુટ-ચપ્પલ, લેડીઝ-જેન્ટસ અને કીડ્સ ગારમેન્ટ, બેડશીટ સહિતની વસ્તુના સેલ શરૂ થઈ રહ્યો છે. આર્ટ ગેલેરીનો આવો ધંધાદારી ઉપયોગ જોઈને કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.