સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ મોત થયું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 15 વર્ષથી પત્ની, બે પુત્ર, એક દીકરી સાથે સચિન વિસ્તારમાં રહે છે. ગત રોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા ખાતે જવા નીકળ્યા હતા.
દરમિયાન સચિન ખાતે આવેલી એપ્રલ પાર્ક રોડ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશની પત્ની માધુરી મિશ્રાનું કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશને ઇજાઓ થતા તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માતની ઘટનાને લઇ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે ડમ્પર ચાલકની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.