આપમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવ્યું છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપેલા બાકડા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર મુકી દીધા છે. લોકોની સુવિધા માટે અન્ય જગ્યાએ બાકડા મુકવાના બદલે કોર્પોરેટરે પોતાની બિલ્ડીંગની ટેરેસ પર મુકી દેતા વિવાદ ઉભો થયો છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામા આવેલા બાકડા બિલ્ડીંગના ટેરેસ પર પહોંચ્યા તેનો વિડીયો વાયરલ થતાં ટેરેસ પર બાકડાં પહોંચાડનારા કોર્પોરેટરે કોઈને ત્યાં પ્રસંગ હોવાથી બાકડાં ટેરેસ પર મુક્યા હોવાનો લુલો બચાવ કર્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ટિકીટ પર જીતેલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે અને ત્યાર બાદ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હાલમાં વિવાદમા આવ્યા છે. આપમાંથી ચુંટણી જીત્યા બાદ આપના કોર્પોરેટરોએ બાંકડાના બદલે લોકપયોગી કામમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવો તેવો નિર્ણય કર્યો હતો.
પરંતુ હાલમા એ.કે. રોડ પર શ્રીજી નગર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ મકવાણા જે બિલ્ડીંગમાં રહે છે તે બિલ્ડીંગના ટેરેસ પર ત્રણ બાકડા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વિડીયો અંગે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા કહે છે, અમારી બિલ્ડીંગના ટેરેસ પર બાકડા છે તે વાત સાચી છે પરંતુ તે કાયમ માટે મુકવામા આવ્યા નથી. અમારી બિલ્ડીંગમાં એક વ્યક્તિના ઘરે પ્રસંગ હતો તેથી બાકડાં ટેરેસ પર મુકવામા આવ્યા છે અને હવે પ્રસંગ પુરો થઈ ગયો છે એટલે બાકડાં નીચે ઉતારી દેવામા આવશે. આ બાંકડા ગઈકાલે જ મુક્યા છે અને આજે ઉતરી પણ જશે તેવો પોકળ ખુલાસો તેઓએ કર્યો હતો.