‘પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન’: ડી.સી.પી. ભગીરથ ગઢવી
સુરત, ૫ જૂન એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીનાં ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન, સુરત દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, ઉધના ખાતે “મિશન લાઈફ-પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ તાલીમાર્થીઓની સાથે લોકપ્રતિનિધિઓ,અઘિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડી.સી.પી. શ્રી ભગીરથ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધનમાં તાલીમાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બની વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી. પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન છે એમ જણાવી તેમણે યુવાઓને માનવજીવન માટે અતિ આવશ્યક પ્રકૃતિ માટે જાગૃત બનવાની અરજ કરી હતી.
આ પ્રસંગે નિવૃત્ત આઈ.એ.એસશ્રી આર.જે.પટેલે “પર્યાવરણ શરણં ગચ્છામિ”નાં સંસ્કૃત શ્વોક થકી આધુનિકરણના સમયમાં પર્યાવરણ સુરક્ષાનું માહાત્મ્ય સમજાવ્યું હતું. પોતાના અનુભવો વિષે વાત કરી તેમણે આજની યુવાપેઢીને પર્યાવરણ અંગે જાગૃતતા કેળવવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે વિજ્ઞાન અને ધર્મનાં સમન્વયની આગવી જરૂરિયાત વિષે સમજાવી ઉચિત વર્તન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. વિસ્તારનાં નગરસેવક શ્રી સોમનાથભાઈ મરાઠેએ પોતાનાં વિસ્તારમાં ૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું તેમજ પર્યાવરણ સંતુલન માટે નવી પેઢીની સક્રિયતાની આવશ્યકતા પર બહાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ને અનુલક્ષીને ચિત્રકળા, નિબંધ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અહિં ઉપસ્થિત તાલીમાર્થીઓને સરગવાનો રોપો ભેટરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સનરાઇજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનનાં પ્રમુખશ્રી પ્રદિપભાઈ શિરસાઠ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાધિકાબેન લાઠીયા, આર.એફ.ઓશ્રી જીગ્નેશભાઈ ગામિત, ભેસ્તાન ફાયર ઓફિસરશ્રી હિતેશભાઈ પાટીલ, રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય શ્રીવિનોદભાઈ પવાર, નગરસેવકશ્રી બળવંતભાઇ પટેલ,ભૂતપૂર્વ નગરસેવકશ્રી સુરેશભાઈ કણસાગરા, મહામંત્રી શ્રીમતી માયાબેન બારડ, PSI(ઉધના) શ્રી ડી.એમ.મૂળયાસિયા,એલ.આઈ. બી ના હે.કો. હરીશભાઈ સોલંકી,ક્ષેત્રિય પ્રચાર અઘિકારીશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, એડવોકેટ રિલેશભાઈ લિમ્બાચિયા,બી.એસ.એફ.ના શિવરાજભાઈ સાવલે અને શિક્ષકશ્રીઓ ધર્મેશભાઈ પ્રજાપતિ, કૌશલ બાગડે,કમલેશ શિરસાઠ તેમજ ચંદ્રકાંત ક્ષીરસાગર ઉપસ્થિત રહ્યા હતા.