સુરત, શહેરના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં એકલી રહેતી મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. ફાયર વિભાગ અને અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા મનીષાબેન જગદીશ ચાવડા (ઉ.વ.38 )એ મોડી રાત્રે ઘરમાં હીચકાના હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આપઘાત લીધો હતો. જોકે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ઘટના અંગે ખબર પડતા સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ આ બાબતે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ દ૨વાજો તોડતા મહિલાનો મૃતદેહ અંદર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેને પગલે સ્થાનિકો ચોકી ગયા હતા.
મહિલાનો મૃતદેહ નીચે ઉતારી પોલીસને સોંપવામા આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મનીષાબેનના બે-ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે મુંબઈમાં રહે છે અને અહીં તેઓ એકલા રહેતા હતા. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોય એવી હાલમાં શક્યતા લાગે છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.