સુરતમાં હજી ચોમાસુ શરૂ થાય તે પહેલાં જ રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક આવેલા પાલિકાના ગરીબ ( ઈ ડબ્લ્યુ) આવાસના લાભાર્થીઓની હાલત ચોમાસા પહેલા જ કફોડી થઈ રહી છે. છેલ્લા એક મહિનાથી આ કેમ્પસમાં ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને આઠથી વધુ ફરિયાદ થઈ છે તેમ છતાં પરિણામ શૂન્ય છે. છેલ્લા એક અઠવાડિયાથી આ કેમ્પસમાં ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાથી 256 જેટલા પરિવારોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. અનેક ફરિયાદ બાદ સમસ્યાનો હલ ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ આવાસમાં રહેતા લોકો કહે છે છેલ્લા એક મહિનાથી અહીની ડ્રેનેજના ચેમ્બરમાંથી પાણી ઉભરાતું હતું અને બે ચાર દિવસમાં સુકાઈ જતું હતું. પરંતુ આઠેક દિવસથી અહી ગટરના ગંદા પાણીનું તળાવ બની ગયું છે અને લોકોએ આ ગંદા પાણીમાંથી જવું પડી રહ્યું છે. કેમ્પસમાં બાળકો છે તેઓ પણ નીચે ઉતરે છે ત્યારે તેમની મુશ્કેલી પણ વધી રહી છે. એક અઠવાડિયાથી ગંદુ પાણી ભરાયું હોવાથી લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. આગામી દિવસોમાં વરસાદ આવશે એટલે સ્થિતિ વધુ બગડી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. વારંવાર ફરિયાદ બાદ પણ જો આ સ્થિતિમાં સુધારો ન આવે તો અનેક લોકો બીમાર પડી શકે તેવી ભીતિ છે.
સુરત પાલિકામાં હાલમાં પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.અનેક જગ્યાએ પ્રિમોન્સુન કામગીરી નબળી હોવાથી લોકોને મુશ્કેલી પડે તેવું કહેવાય રહ્યું છે. આવી ભીતિ વચ્ચે હાલમાં રાંદેર ઝોનના બોટનિકલ ગાર્ડન નજીક શ્રીજી નગરી સામે બનેલા પાલિકાના રહીશોની હાલત હાલ જ ખરાબ થઈ ગઈ છે. આ ગરીબ આવાસના કેમ્પસમાં 16 બિલ્ડીંગ છે અને 256 પરિવારો વસવાટ કરે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી આ લાભાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. કેમ્પસમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. અને તેમાં પણ છેલ્લા એક સપ્તાહથી તો કેમ્પસમાં ગંદા પાણીનો ભરાવો થયો છે. સ્થાનિક રહીશો અત્યાર સુધીમાં આઠ કરતાં વધુ વખત ફરિયાદ કરી ચુક્યા છે પરંતુ કોઈ પરિણામ આવતું નથી. ચુંટાયેલા પ્રતિનિધિ કે પાલિકા કર્મચારીઓ પ્રશ્નનો ઉકેલ ન કરતા સ્થાનિકોએ માજી વિપક્ષી નેતા બાબુ કાપડીયાને રજુઆત કરી છે. તેઓએ પાલિકાના અધિકારીઓને રહીશોની હાલત જણાવી છે. છેલ્લા એક સપ્તાહથી ગરીબ આવાસના કેમ્પસમાં ગંદા પાણીનો ભરાવો થયો હોવાથી રોગચાળો ફેલાય તેવી ભીતિ હોવાની વાત કરી છે અને સમસ્યાનો હલ કરવા માટે રજુઆત કરી છે.