સુરત, લિંબાયત પોલીસે ગઈ તા. ૮મી મેના રોજ ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારસામાં મુખ્ય સુત્રધાર એવા આરોપી તબીબ વિરેન્દ્ર ભોલાનાથ પટેલ(રે.રાધિકા હોમ્સ એમ્પોરીયા સાહબની સામે,ડીડોલી)ની ઈપીકો-318,312,315,316,336,419,201,120 બી,34 તથા મેડીકલ પ્રેકટીશ્નર એક્ટની કલમ 30,35 તથા મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યો હતો. આરોપી વિરેન્દ્ર પટેલે શિખા કલીનીક તથા ઓર્થો કેર સેન્ટરના નામની ક્લીનીકમાં સહ આરોપી અંજુબેન,કાનાપાત્ર અન્ય એજન્ટ તથા ડૉ.આસુતોષ વગેરેના મેળાપિપણામાં આર્થિક લાભ મેળવવા ડીગ્રી ન હોવા છતાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા.
આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી વિરેન્દ્ર પટેલે ચાર્જશીટ રજુ થયા બાદ હ્ય્દયરોગની બિમારીના ગ્રાઉન્ડ તથા પ્રથમદર્શનીય કેસના પુરાવાના અભાવે જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપીએ ગુનાઈત મનુષ્યવધ ગણાય તેવા કૃત્યથી ઉગરમાં ફરકતું થયું હોય તેવા અજાત બાળકનું મોત નિપજાવી ગેરકાયદે ગર્ભપાત કરાવીને ગર્ભનો નિકાલ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.આરોપી મુખ્ય સુત્રધાર હોઈ શિખા હોસ્પિટલમાં ગેરકાયદે લીંગ પરીક્ષણ તથા ગર્ભપાત કરાવીને આર્થિક લાભ મેળવતા હતા.સહ આરોપી ગજાનંદ ગયાવલને પકડવાનો બાકી છે.આરોપીની હોસ્પિટલના ધાબા પરથી ગર્ભપાત કરાવેલા ગર્ભનો ખાડીમાં બાજુ ફેંકી દઈને નિકાલ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે.આરોપી વિરુધ્ધ લિંબાયત,સલાબતપુરા,ડીંડોલી તથા મહારાષ્ટ્રના બોરખોડી પોલીસ મથકમાં ખાતે પણ એટ્રોસીટી તથા અન્ય ગુના નોંધાયા છે.ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીને જામીન આપવાથી ફરી આવા ગુના આચરે તેમ છે.