દરેક પોલીસ સ્ટેશન, હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ
સુરત: પોલીસ મુખ્ય મથક-તાલીમ કેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્ય મથક) શ્રીમતિ સરોજ કુમારીની ઉપસ્થિતિમાં સ્ત્રી-સ્વાસ્થ્ય તથા માસિક સ્વચ્છતા સંબંધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સેનેટરી પેડ વિતરણ અને મહિલા જાગૃત્તિ માટે કાર્યરત ‘પેડ વુમન’ તરીકે જાણીતા શ્રીમતિ મીનાબેન મહેતાએ સ્વહસ્તે ઉપસ્થિત દરેક પો.સ્ટે., હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ પો.કમિ. સરોજકુમારીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં મહિલાકર્મીઓ દિનરાત ફરજ બજાવે છે. પરંતુ જો સ્વાસ્થ્ય ઠીક નહિ હોય તો ફરજ તથા પરિવારને ન્યાય આપી શકાશે નહીં એમ જણાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થવા પ્રેરણા આપી હતી.
‘પેડ વુમન’ મીનાબેન મહેતાએ પોલીસ વિભાગમાં મહિલાઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, મહિલાઓની વધેલી સંખ્યાના કારણે હવે પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો છે. મહિલાકર્મીઓ ઘરપરિવારની સંભાળ સાથે ફરજને પણ પ્રાધાન્ય આપી રહી છે તે સરાહનીય છે.
ડો.ધ્વનિ દેસાઈએ પોલીસ મહિલાકર્મી જાતીય સ્વાસ્થ્યની જાળવણી કરવા સાથે પોતાના પરિવાર અને સમાજની તેમજ પોલીસ પાસે મદદ માટે આવતી મહિલાઓને પણ જાગૃત કરે તે જરૂરી છે એવો મત વ્યક્ત કર્યો હતો.