ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકી દાખલ હતી.
સુરતના ખજોદ વિસ્તારમાં ગત 19મી ફેબ્રુઆરીના રોજ બે વર્ષની માસૂમ બાળકી પર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનોએ માસૂમ બાળકીને 40થી 50 જેટલા બચકાં ભર્યા હતાં. જેથી છેલ્લા ત્રણેક દિવસથી બાળકીની સારવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે. મજુરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે એટલે કે, 19 ફેબ્રુઆરીના રોજ તેઓની 2 વર્ષીય બાળકી રમી રહી હતી. તે વેળાએ ત્રણ જેટલા શ્વાનોએ બાળકીને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેણીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30થી 40 જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા. બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહી, બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 3 દિવસની સારવાર બાદ બાળકીનું ગતરાત્રીના સમયે દુઃખદ નિધન થયું છે. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ત્યારે રખડતાં અને આતંકી બનેલા શ્વાનોને કાબુમાં લેવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે.