11 સર્વેયરને નોટિસ,પાલિકાને 30 કરોડનો ચૂનો
કતારગામ ઝોનમાં કેટલાક ફાર્મ હાઉસની આકારણી દફતરે ચઢાવાઈ નથી ઉપરાંત ઓછી આકારણી દર્શાવી.
કતારગામ ઝોનના આકારણી વિભાગના તત્કાલીન 11 સર્વેયરોને શો-કોઝ નોટિસ ફટકારાતા ફફડાટ ફેલાયો છે. જો કે, ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ જ સરકારી ચોપડે આકારણી ચડતી હોવા છતાં નાના કર્મીઓને જ નોટિસ અપાતાં સર્વેયરોમાં રોષ પણ ફેલાયો છે. આ પ્રકરણમાં ફાર્મ હાઉસના કુલ ક્ષેત્રફળમાં ગાર્ડન અને પાર્કિંગ એરિયાની આકારણીઓમાં સ્થળ પર વિસંગતતાઓ જોવા મળી હતી. પાલિકાની તિજોરીને વર્ષે દહાડે 6 કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જેથી છેલ્લા 5 વર્ષની ગણતરી માંડી પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઓરિજનલ અને રિવિઝન એસેસમેન્ટનું ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું છે. સર્વેયરોને અપાયેલી શોકોઝ નોટિસ બાદ સંભવતઃ આગામી દિવસોમાં આકારણી કૌભાંડની સ્ફોટક માહિતી સામે આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
આકારણી સર્વેયર મિલકતની સ્થળ સ્થિતિ મુજબ રહેણાક અને કોમર્શિયલ કોડ સાથે ઓરિજનલ માપના સર્વે બાદ ફાઇલ મુકે છે. આ ફાઇલ તેમના સુપરવાઇઝર પાસે જાય છે ત્યારે મિલકતમાં કોઇ ક્વેરી હોય તો સ્થળ પણ વેરિફાઇ કરવું પડે છે, પછી ફાઇલ ચેક કરી સુપરવાઇઝર સહી કરે છે. ત્યાર બાદ આકારણી ફાઇલ સેક્શન ઓફિસર પાસે જાય છે તે ચેક કરી સહી કરે છે. તેમ છતાં પણ તે ફાઇલ ત્યાં સુધી ફાઇનલ નથી થતી. જ્યાં સુધી ARO ચેક કરી સહી ન કરે. AROની સહી પછી ફાઇલ ફિલ્ડ બુક ક્લાર્ક પાસે જાય છે. તે અરજીના ડેટા અને કોડ પ્રમાણે કમ્પ્યુટરમાં ફિલઅપ કરે છે, પછી તે ડેટા પર SOની એપ્રુવલ માંગવામાં આવે છે. તેમની મંજૂરી બાદ AROની એપ્રુવલ લેવાય છે. ત્યાર બાદ પણ મિલકતદારના નામ સાથે ખાસ નોટિસ નીકળે છે, જેનો 15 દિવસની મુદ્દતમાં વાંધો રજૂ કરવાનો હોય છે. ત્યાર બાદ જ આકારણી ફાઇલ ચોપડે ચઢે છે.