હેલ્પલાઈન સેવાને ખુલ્લી મુકતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્નેહીજનો એક હજાર બ્લેન્કેટનું વિતરણ
નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ.
સુરત:શુક્રવાર: ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા ૧૫ વર્ષથી નર્સિંગ એસોશિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથોસાથ ધારાસભ્યશ્રીના હસ્તે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્નેહીજનો એક હજાર બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ પણ આપણી સૌની નૈતિક ફરજ હોય છે. ત્યારે વર્ષ ૨૦૧૭ થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને સારવાર માટે દસ દિવસીય 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવે છે. સુરતવાસીઓ પણ આ જીવદયા અભિયાનમાં જોડાય એવી અપીલ કરી ઉતરાયણ પર્વમાં શક્ય હોય ત્યાં સુધી પરિવાર સાથે મોટર સાઈકલ પર બહાર જવાનું ટાળવું જોઈએ એમ ઉમેર્યું હતું.
આ અવસરે નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓ માટે છેલ્લા ૧૫ વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા ચલાવી રહ્યા છીએ. શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, જે સરાહનીય છે. લોકો જાગૃત્ત બનવા સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર થઈ રહ્યા છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઈન સેવા માટે કોન્ટેક્ટ નં. ૮૪૬૦૬૭૦૬૪૪, ૯૯૭૯૦૮૭૦૫૩, ૯૮૨૫૫૦૪૭૬૬, ૯૮૨૫૫૨૫૬૩૭, ૯૯૦૯૯૨૭૯૨૪ ઉપર કોલ કરીને ઈજાગ્રસ્ત પક્ષીઓ કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકે છે.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરૂભાઈ ચાવાલા, છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ, આરએમઓ ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, વિભોર ચુગ, જગદીશ બુહા સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.