શ્રમિકોના મોતના મામલે અને સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવવા બદલ ઉધના પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી
સુરત, 19 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં ઉધના પોલીસે આખરે ફેકટરી માલિક મેમણ બંધુઓની ધરપકડ કરી છે. ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને ફાયર NOC વગર ગેરકાયદેસર રીતે ચલાવવા બદલ કાર્યવાહી કરાઈ છે.ઉધના રોડ નંબર 3 પર આવેલી ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 18, 19 અને 20માં કાર્યરત ‘RMS પ્લાસ્ટ’ નામની ફેક્ટરીમાં સવારના સમયે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકના દાણા બનાવતી આ ફેક્ટરીમાં રહેલું ક્રશર મશીન અચાનક ઓવરહીટિંગના કારણે ફાટ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા પાંચ શ્રમિકો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે સારવાર દરમિયાન પાંચ પૈકી ચાર શ્રમિકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક શ્રમિક હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેષ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. તપાસમાં ખુલ્યું કે આ ફેક્ટરી છેલ્લા દોઢ થી બે વર્ષથી કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર વિભાગની એન.ઓ.સી. (NOC) વગર ધમધમતી હતી. એટલું જ નહીં, ફેક્ટરીના માલિકોએ ત્યાં કામ કરતા ગરીબ શ્રમિકોને કોઈ પણ પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કે સેફ્ટી કીટ પૂરી પાડી નહોતી. જોખમી મશીનરી પાસે કોઈ પણ સુરક્ષા વગર કામ કરાવવું એ સીધો માનવ વધ સમાન બેદરકારી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, RMS પ્લાસ્ટરના માલિકો ફાયર એન.ઓ.સી. અથવા ફેક્ટરીના નિયમો મુજબ જરૂરી લાયસન્સ વગર જ આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.







