સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં છેલ્લા 16 દિવસથી ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું છે. ગોડાદરા પોલીસ શિવાને અમદાવાદથી પકડી સુરત લાવી રહી હતી ત્યારે ગોડાદરાના દેવધ ગામ નજીક તેણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. શિવા ટકલાને જમણા પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને પોલીસ દ્વારા તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શિવા ટકલાને 108માં લાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા ઊંચકીને તેને ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટ્રેચર પર સૂતેલા શિવાને જ્યારે મીડિયાએ સવાર કર્યો કે, તે આ ડબલ મર્ડર શા માટે કર્યા? ત્યારે શિવાએ જોરથી અંગ્રેજીમાં ત્રાડ પાડીને કહ્યું હતું કે, “I Said Keep Quiet!” ત્યાર બાદ ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, સુરત પોલીસ દ્વારા હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.







