આક્ષેપ છે કે પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવણેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે.
સુરતમ,નાગસેન નગરનો રહેવાસી સુનિલ રમેશ સોનવણે (ઉ.વ. 32) છેલ્લા કેટલાક સમયથી દારૂના વ્યસનની લપેટમાં આવી ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, દારૂની લતને કારણે તેની તબિયત સતત લથડતી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વધુ પડતા દારૂના સેવનને કારણે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી. તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન સુનિલનું કરુણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સામાન્ય રીતે કોઈના મૃત્યુ બાદ સ્મશાનયાત્રામાં શોકનું મોજું હોય છે, પરંતુ સુનિલના કિસ્સામાં શોકની સાથે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે સુનિલનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. લોકોએ સુનિલના મૃતદેહની સામે જ ‘દારૂ કા અડ્ડા બંધ કરો’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય પ્રશાસન અને પોલીસ માટે શરમજનક હતું કે જ્યાં એક યુવાનનું શબ પડ્યું છે, ત્યાં લોકોએ ન્યાય અને દારૂબંધી માટે બૂમો પાડવી પડી રહી છે.







