સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો છે. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો છે. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર, સેટેલાઈટમાં રહેતા રોનક ખીમસૂરિયા નામના શખસે બે વર્ષ પહેલાં દમયંતી પરમાર નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પત્ની દમયંતીએ તેના પતિ પર અન્ય સ્ત્રીઓ સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી સૂતેલા પતિ પર પહેલાં તો ગરમ પાણી વેળ્યું અને બાદમાં એસિડ ફેંક્યું હતું. એ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી પતિ અને આરોપી પત્ની વચ્ચે બે વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો અને ત્યાર બાદ બંને કોર્ટ મેરેજ કર્યાં હતાં.