લોન ક્લેઇમ પાસ કરાવાના નામે 2.74 કરોડની છેતરપિંડી
‘બેંકોમાં સેટિંગ છે, લોન ક્લેઈમ પાસ કરાવી આપીશ’
લોન ક્લેઇમ પાસ કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો અપાવીને આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ પાસેથી જુદા જુદા તબક્કામાં કુલ રૂપિયા 2,74,24,700 પડાવી લીધા હતા. જોકે, તેણે કોઈની પણ લોન મંજૂર કરાવી નહોતી કે લોન પર ક્લેઈમ પણ પાસ કરાવ્યો નહોતો. લોન ક્લેઇમ પાસ ન થતાં ભોગ બનનારાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનામાં નાસતા ફરતા આરોપી મનોજ રામનિહાર મિશ્રા (ઉં.વ. 49, રહે. ડીંડોલી, સુરત, મૂળ વતન: ભદોઇ, યુ.પી.) ને ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મનોજ મિશ્રાનો ધંધો લોનનું કામકાજ કરાવવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આરોપીએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ ઉપરાંત પણ અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હશે. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.