સુરત, પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગરાજ ડાઈંગ મિલમાં એક ભારે બેદરકારીભરી ઘટના સામે આવી છે. ડ્યુટી દરમિયાન મિલમાં કામ કરતાં 26 વર્ષીય યુવકને કરંટ લાગતાં ગંભીર સ્થિતિમાં સારવાર માટે સેવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ 21 તારીખના સાંજે 7:00 વાગ્યા ના આશરામાં પાંડેસરા જીઆઇડીસી ના પ્રયાગરાજ ડાઈંગ મિલ માં કામ કરતા રાહુલ વર્મા ને બીજલી નો કરંટ લાગતા નીચે પડ્યો હતો જેથી તેના સાથે મિત્ર એ પ્રાથમિક સારવાર અર્થે તેને સેવા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનાએ ડાઈંગ મિલોની આંતરિક સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું મિલમાં ઇલેક્ટ્રિક લાઇન અને સાધનોની નિયમિત ચકાસણી થાય છે? શું કામદારોને પર્સનલ પ્રોટેક્શન સાધનો (PPE) આપવામાં આવે છે? આ તમામ પ્રશ્નો હજુ અંધારામાં છે અને જવાબદારી લીધા વિના મિલ પક્ષ મૌન વળગી રહ્યાનું સૂત્રો જણાવે છે.
સૂત્રો ની માનીએ તો મૃતકના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે, “મિલમાં સુરક્ષાની સંપૂર્ણ અવગણના છે. યોગ્ય ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ન હોવાના કારણે જ આ દુર્ઘટના બની છે.”
હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ કર્મચારીના મૃત્યુ પછી પણ મિલ સંચાલકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય, તો એની જવાબદારી કોની?
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઘણા ઉદ્યોગોમાં કામદારોની સલામતી માત્ર કાગળ પર જ રહેલી છે. જ્યારે સુધી કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે તેમ નથી.