અવિલોપ્ય શાહીને માટીના પાત્રમાં રાખીને પર્યાવરણની જાળવણીનો સંદેશ.
સુરત:બુધવાર: વિધાનસભા ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણીપંચ દ્વારા ઈકોફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે સુરતની ૧૬ વિધાનસભા દીઠ એક-એક ઈકોફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવાની પર્યાવરણલક્ષી પહેલ કરવામાં આવી છે.
સુરતની ૧૬૫-મજુરા વિધાનસભામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ઇકોફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ બુથની સજાવટ માત્ર બાયોડિગ્રેડેબલ સામગ્રીથી કરવામાં આવી છે. ઉપરાંત, પર્યાવરણની જાળવણીને લગતા પોસ્ટર્સ-બેનર્સ, ગ્રીન થીમ આધારિત ટેબલની સજાવટ, ફુગ્ગાઓ, ફૂલ છોડ દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીના તમામ ચૂંટણીઓમાં મતદાન વખતે ઉપયોગમાં લેવાતી અવિલોપ્ય શાહીની બોટલ અને તેને રાખવાનું સ્ટેન્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતું, જ્યારે આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીને માટીના પાત્રમાં રાખીને પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશ અપાયો છે.