વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૂપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી.

સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, સુરત જિલ્લામાં લગભગ ૧,૫૦,૦૦૦ લાભાર્થીઓ ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાંથી કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય. તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટુંકાગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવર્તમાન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, અને છેલ્લા ૧ વર્ષમાં વહીવટીતંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઇ શકાય.
આમ, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ લગભગ બે લાખ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. જેઓને લાભ આપવા માટે વડાપ્રધાનશ્રી સુરતના આંગણે આવ્યા હતા.