Home SURAT સુરતની ૩૦૦થી વધુ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

સુરતની ૩૦૦થી વધુ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

74
0
શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

વનિતા વિશ્રામ તથા ટી.એન્ડ ટી.વી.હાઈસ્કૂલ ખાતેથી ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક

શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો.

સુરતઃમંગળવારઃ સુરત જિલ્લામાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઇનમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃત્તિના પ્રયાસો વેગવાન બન્યા છે, ત્યારે સુરત શહેરની ૩૦૦થી વધુ માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ હાઇસ્કુલ તથા નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી.વી. હાઈસ્કુલથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, ૧લી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકમાં મતદાન થનાર છે. જેમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન કરવા પ્રેરાય એ હેતુથી વિદ્યાર્થીઓની રેલીઓ થકી મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો છે એમ જણાવી લોકશાહીના આ મહાપર્વમાં સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી. 
                કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ દેશોમાં સ્ત્રી-પુરૂષોને સમાન મતાધિકાર આપવામાં આવ્યો નથી, જ્યારે ભારતમાં બંધારણના અમલ સાથે સ્ત્રી-પુરૂષ બંનેને કોઈ વિશેષ પ્રાવધાન વિના એકસાથે સમાન મતાધિકાર અપાયો છે એ આપણી લોકશાહીની સુંદરતા છે. નાગરિકનો મત રાષ્ટ્રનિર્માણનો પાયો છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કરી લોકશાહીના અવસરને મતદાન કરી ઉજવણી કરીએ એવો અનુરોધ કર્યો હતો. 
વનિતાવિશ્રામ તેમજ ટી.એન્ડ.ટીવી હાઈસ્કૂલના સંચાલકશ્રી, આચાર્યશ્રી શિક્ષકોએ ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક અને અન્ય ચૂંટણી અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું 
                   નોંધનીય છે કે, આજે એક જ સમયે સુરત શહેરની ૩૦૦ માધ્યમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ મતદાનના સંદેશ સાથે શહેરમાં રેલીમાં જોડાયા હતા.
આ પ્રસંગે અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિનેશ બાગુલ, ૧૬૫-વિધાનસભા મતવિસ્તારના ચુંટણી અધિકારી અને જમીન સુધારણાના નાયબ કલેક્ટરશ્રી મિતેષ પટેલ, મામલતદાર સર્વશ્રી દલપતભાઈ બ્રામણકાચ્છ, ડી.એમ.બગસરિયા, સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટરશ્રી રાજેશ ભોગાયતા, મેજિસ્ટ્રેટ શાખા મામલતદારશ્રી વિશાલ પટેલ, મામલતદાર પીઆરઓશ્રી ડી.કે.સોજીત્રા સહિત વનિતા વિશ્રામ ઉ.મા.શાળાના આચાર્ય, ટી.એન્ડ.ટી.વી શાળા આચાર્યશ્રી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ: મેહુલ વાંઝવાલા) 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here