સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેર પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરી આ ઝોલાછાપ ડૉક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હજુ માત્ર ત્રણ દિવસ પહેલા જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ચાર બોગસ તથા સચિનમાંથી ત્રણ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ACP નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ સર્ટિફિકેટ વગર એલોપેથીની દવાઓ આપી રહ્યા છે, જેની જાણકારીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના આઈ ડિવિઝન વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોગ્ય વિભાગની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં 22 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. સચિન વિસ્તારમાં 8 સ્થળે તપાસ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરો મળી આવ્યા, જેમાંથી કેટલાક પાસે ડિગ્રી નથી અથવા સરકાર માન્ય ડિગ્રી નથી.
ગોડાદરા વિસ્તારમાં પોલીસે 7 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, અમે પાંચ ટીમો બનાવી ગોડાદરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ વખતે 64 સ્થળે તપાસ હાથ ધરી હતી, જેમાં 7 ક્લિનિક એવા મળ્યા જ્યાં બીઇએમએસ અને બીયુએમએસ ડિગ્રીના સર્ટિફિકેટ દર્શાવતાં ડોક્ટરો હતા. આમાંથી કેટલાક લોકો ધોરણ 7 પાસથી 12 પાસ સુધી છે.
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ ડિગ્રી તેઓએ ક્યાંથી મેળવી હતી