ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરતાં રંગેહાથ ઝડપાયો હતો.
દીપુ પ્રજાપતિનાં કાળાં કારનામાં બહાર આવતાં ભારતીય જનતા પાર્ટીએ તરત જ તેને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો.
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ અને બીજી તરફ ધરપકડથી બચવા શખસ ભૂગર્ભમાં ઊતરી ગયો. પોલીસે તેના ઘર-મિત્ર વર્તુળ સહિત સગા-સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ તે હાથમાં આવ્યો નથી. તેનો ફોન પણ તેણે બંધ કરી દીધો છે. દુષ્કર્મી કાઉન્સિલરની વધુ એક કરતુત બહાર આવી છે, જેમાં ગત જૂનમાં જ પરિચય કેળવ્યા બાદ પંદર દિવસ બાદ શખસ તેના ઘરે પહોંચી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે પરિણીતાને ગર્ભ રહી ગયો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જેમાં પતિને સાથે રાખીને પરિણીતાએ ગર્ભપાત પણ કરાવ્યો હતો.
દુષ્કર્મ આચરતાં રંગેહાથ ઝડપાયો હતો.
૧૬-૧૧-૨૦૨૪ ના રોજે શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો એ વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતાં દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં.
ભાજપ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ ગત જૂનમાં લોકસભાની ચૂંટણીમાં મતદાર સ્લિપ આપવાના બહાને પરિણીતાનો મોબાઈલ નંબર લઈ ગયો હતો. એ પછી તેણે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. એ બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી ગત જૂનમાં જ તેના ઘરે આવી પહોંચ્યો હતો.પરિણીતાનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટના બાદ પરિણીતાને પેટમાં ખૂબ દુ:ખાવો થતો હોય તેણે દીપુ પ્રજાપતિને ફોન કરીને જાણ કરી હતી. નરાધમ દીપુએ તેને ગોળી લઈ લેવાની સલાહ આપી હતી.
બીજી તરફ પરિણીતા તેના પતિ સહિતના પરિવાર સાથે ગત 22મી જૂનના રોજ ઉત્તરપ્રદેશ ખાતે સાઈટ પર ગયા હતા. જ્યાં પુન: તેને દું:ખાવો થતાં જ તેઓ પરત આણંદ આવ્યા હતા. જ્યાં તેમણે ખાનગી દવાખાનામાં તપાસ કરાવતાં જ પરિણીતા સગર્ભા હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પતિને સાથે રાખીને જ તેણીએ ગર્ભપાત કરાવ્યો હતો. પરિણીતાએ કાઉન્સિલરે દુષ્કર્મ ગુજારતા તે ગર્ભવતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા મારામારીમાં સંડોવાયેલા બે સાગરીતોની ધરપકડ કરી હતી. આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ-ઈન્સ્પેક્ટર વી.ડી.ઝાલાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજી સુધી પકડાયો નથી,મારામારીમાં સામેલ તેના બે સાગરીતોની અટકાત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.