ઉધના ઝોન-એ ના વડોદમાં વર્ષોથી રહેતાં પરિવારને ઘરની બહાર કાઢી, સામાન ફેંકી ઘરનું ડિમોલીશન કરી નાંખ્યું હતું
બુલડોઝરબાજીથી 7 વર્ષના બોલી-ચાલી કે ખાઈ ન શકતા બાળક અને પરિવારને રસ્તે રઝળતો કર્યો.
સુરતઃ સુરત મનપાના અધિકારીઓ દ્વારા કોઈ જાતની નોટિસ આપ્યા વગર રહેણાંક તોડી પાડયાની રીટ હાઇકોર્ટમાં સાધનાબેન બડગુજરે નામના અરજદારે કરી હતી. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે સુરત મ્યુનિ. કમિશનર તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓને નોટિસ ફટકારવાનો હુકમ કર્યો છે. તેમજ વધુ સુનાવણી માટે 19મી નવેમ્બરનો દિવસ આપ્યો છે.
નોટીસ આપ્યા વગર જ ડિમોલિશન કર્યા હતા.
સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો સાથે રહેતી એક મહિલાનું લાખો રૂપિયાનું મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના બારોબાર તોડી નાંખતાં મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૂદ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.
સત્યનારાયણ નગર સોસાયટીના પ્લોટ નં. 16, 17 ઉપર પાકું ઘર બાંધીને રહેતાં સાધનાબેન ઈશ્વરભાઈ બડગુજરે તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી રજૂઆત કરી હતી કે, તેઓ વડોદ વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં પોતાના પતિ અને એક દિવ્યાંગ સહીત બે બાળકો સાથે રહેતાં હતા. વર્ષ 2021માં તેમણે બંને પ્લોટ બાંધકામ સહિત ખરીદીને એસ.એમ. સીના ટેક્સ બિલમાં પોતાના નામે ચઢાવેલા હતા. પાણી કનેક્શનની ફ્રી ભરેલી, પોતે ઈલેક્ટ્રિસિટી કનેક્શન ધરાવતા હતા અને એક વર્ષ પહેલાં લગભગ 634 સ્કવેર ફિટનું રૂપિયા 9.5 લાખના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. જે ઘરની હાલની કિંમત રૂપિયા ત્રીસ લાખ છે. દરમિયાન અગાઉ કોઈ જાતની નોટિસ આપ્યા વગર |લી ઓક્ટોબરના રોજ ઉધના ઝોનના અધિકારીએ પરિવારને ઘરની બહાર કાઢી સામાન ફેંકી દઇ ઘરનું ડિમોલિશન કર્યું હતું. તેથી અરજદારે પોલીસ ફરિયાદથી માંડીને વિવિધ સક્ષમ સત્તા સામે રજુઆત કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળવાથી તેમણે હાઈકોર્ટમાં ઉક્ત રિટ પિટિશન કરી મનપા દ્વારા તેનું ઘર ફરીથી બનાવી આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા ભરવા અને તમામ જવાબદાર અધિકારીઓ પાસેથી 45 લાખનું વળતર પણ માંગ્યું છે.