Home SURAT સમગ્ર સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ દિવ્યાંગ મતદાન મથકની રચના...

સમગ્ર સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ દિવ્યાંગ મતદાન મથકની રચના કરાશે

71
0

દિવ્યાંગ મતદાન મથકમાં ચૂંટણીલક્ષી તમામ ફરજો દિવ્યાંગ કર્મચારીઓ નિભાવશે.

‘ઈન્ક્લુઝિવ ઈલેક્શન્સ’ના ધ્યેય સાથે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તેવો શુભાશય.

સુરત:શનિવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય, મહત્તમ મતદારો મતાધિકારનું મૂલ્ય સમજી મતદાન કરવા પ્રેરાય એ માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. આ દિશામાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો અને નવતર પ્રયોગના ભાગરૂપે આ વખતે સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૧-૧ દિવ્યાંગ મતદાન મથકોની રચના કરવામાં આવી છે.

           ‘ઈન્ક્લુઝિવ ઈલેક્શન્સ’ના ધ્યેય સાથે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યના કુલ-૧૮૨ મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે એટલે કે રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. 
               દિવ્યાંગ સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા આવા મતદાન મથકોની સુરત જિલ્લાની વિગતો જોઈએ તો  ૧૫૫-ઓલપાડ વિધાનસભામાં ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે પ્રા.શાળામાં બુથ નં.૬૯, ૧૫૬-માંગરોળ વિધાનસભામાં માંગરોળ તાલુકાના મોસાલી-૧ ગામે પ્રા.શાળામાં બૂથ નં.૫૨, ૧૫૭-માંડવી વિધાનસભામાં માંડવી તાલુકાના વરઝાખણ-૧ ગામે પ્રા.શાળામાં બુથ નં.૧૮૮, ૧૫૮-કામરેજ વિધાનસભામાં કામરેજ તાલુકામાં વિઝ્ડમ ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં. ૩૫, ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભામાં નાનપુરામાં જીવનભારતી હાયર સેકન્ડરી શાળાના બુથ નં.૧૭૪, ૧૬૦ સુરત ઉત્તર વિધાનસભામાં કતારગામ ખાતે સુમન હાઈસ્કુલમાં બુથ નં.૨૩, ૧૬૧-વરાછા વિધાનસભામાં કાપોદ્રાની સાધના વિદ્યાલય પ્રાઈમરી શાળામાં બુથ નં.૨૪, ૧૬૨-કરંજ વિધાનસભામાં નવચેતન વિદ્યાલયમાં બુથ નં.૪૫, ૧૬૩-લિંબાયત વિધાનસભામાં ડુંભાલ ખાતે શારદા વિદ્યાલયમાં બુથ નં.૯૭, ૧૬૪-ઉધના વિધાનસભામાં આર.એન.નાયક બુથ નં.૮૫, ૧૬૫-મજુરા વિધાનસભામાં અઠવાલાઈન્સ ખાતે લૂડ્ઝ કોન્વેન્ટ શાળામાં બુથ નં.૮, ૧૬૬- કતારગામ વિધાનસભામાં સિંગણપુર ખાતે નાગરા પ્રાથમિક શાળામાં બુથ નં.૬૮, ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભામાં જહાંગીરાબાદ ખાતે પોદ્દાર ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં.૨૧, ૧૬૮-ચોર્યાસી વિધાનસભામાં વેસુ ખાતે હિલ્સ હાઈસ્કૂલમાં બુથ નં.૪૧૦, ૧૧૯-બારડોલી વિધાનસભામાં ખોજ ગામે ખોજપારડી પ્રાથમિક શાળામાં બુથ નં.33 તેમજ ૧૭૦-મહુવા વિધાનસભામાં કાછલ ગામે પ્રાથમિક શાળામાં બુથ નં.૧૭૨ને દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
             આ મથકોમાં ચૂંટણીલક્ષી તમામ ફરજો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવશે. આ પ્રયોગથી દિવ્યાંગ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ તો પૂરું પાડવામાં આવશે જ સાથે લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન હોવાની સંતોષકારક લાગણી પણ દિવ્યાંગજનો અનુભવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here