સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો
સુરત:શુક્રવાર: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
સુરત જિલ્લામાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ (ચેક બાઉન્સ) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો.
ઉપરાંત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-સુરત કચેરી દ્વારા આવા કેસોના સુખદ નિરાકરણ માટે બેચનું ગઠન કરાયું છે. જે બેચ વિશેષ લોકઅદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાનથી નિકાલ કરશે. પક્ષકારો તથા તેમના વકીલોએ વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના CONCILIATION માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે. જેથી સમાધાનના માધ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતના ચેરમેન શ્રી આર.ટી. વચ્છાણીએ અપીલ કરી છે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવાયુ છે.