ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ
વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી
સુરત:શુક્રવાર: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર, સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી. જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળ સંચયમાં પણ મોખરે રહી દેશઅને નવી રાહ ચીંધી શકે.
જળસંચયને જનભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે, સરકારની મદદ સાથે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે. શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે. સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યુનત્તમ ૧ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે છે. તો ગામમાં વરસાદી વ્હેણનું પાણી સંગ્રહ કરાતા કુવામાં પાણીનું જળસ્તર અને ગુણવત્તા બંન્ને સુધરે છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
વધુ પડતાં વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાને નિવારવા શહેરી વહીવટીતંત્રને રોડની આજુબાજુની જગ્યામાં મહત્તમ બોર બનાવવા ટકોર કરી હતી. જેથી પાણી ભરવાની સમસ્યાની સાથે રસ્તાના ધોવાણને પણ અટકાવી રસ્તાઓને થતું નુકસાન ટાળી શકાય. વરસાદી પાણીના સંગ્રહની સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. જેથી આવનારા વર્ષોમાં પાણી અને વૃક્ષોના જતનથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, વીર નર્મદ યુનિ.ના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી સહિત યુનિ.ના પ્રાધ્યાપકો, અગ્રણી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.