ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ: ખેડૂત સુમજીભાઈ ચૌધરી
મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો
સુરત:શુક્રવાર: ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવા માટે જરૂરી સાધનસહાયથી તેમનો જીવનનિર્વાહ કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યા છે.
બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં મહુવા તાલુકાના શેખપુર ગામના સુમજીભાઈ ચૌધરીને રાજ્યના કૃષિ અને સહકાર વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મળ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી ખેતી કરૂ છું. ગ્રામપંચાયતથી સરકારની સ્માર્ટ ફોન યોજનાની માહિતી મળતા જરૂરી પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં નિયત સમયમાં જ મોબાઈલનો લાભ મળ્યો. સ્માર્ટ ફોનના માધ્યમથી આધુનિક ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમણે ખેતી ક્ષેત્રે સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ કરીશ એમ ઉમેર્યું હતું.
સુમજીભાઈએ રાજ્ય સરકાર અને ખેતીવાડી વિભાગનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સ્માર્ટ ફોન ખરીદીમાં રાજ્ય સરકારે રૂ. ૬ હજારની સહાય ચૂકવી છે, તથા સહાયની આ પ્રક્રિયામાં ખેતીવાડી વિભાગનો સતત હકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. સ્માર્ટ ફોનના માધ્યમથી તેઓ ઘેર બેઠાં આઈ-ખેડૂત પોર્ટલ પરથી ખેડૂત કલ્યાણલક્ષી યોજનાની જાણકારી મેળવી તેના લાભ માટે ફોર્મ ભરી શકશે. આ સાથે ખેડૂત મિત્રોને પણ માર્ગદર્શન પૂરુ પાડી પોતાની જમીન વધુને વધુ ફળદ્રુપ કઈ રીતે બની શકે તેની જાણકારી ઘેરબેઠાં મેળવી શકશે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સ્માર્ટ ફોનની યોજના ખુબ જ ઉપયોગી નિવડશે. સાથે મોબાઈલ દ્વારા હવામાન ખાતાની જાણકારી, માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોના ભાવો, કૃષિ રોગો અને તેના નિરાકરણની પણ ઘર બેઠા જ માહિતી મોબાઈલ મારફતે મળી રહેશે.