કતારગામ ખાતે આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું.
રાજય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર કક્ષાના ગરીબ કલ્યાણ મેળા તથા મેળા બાદ અંદાજે ૩૯૬૪૦ લાભાર્થીઓને રૂ.૧૩૬ કરોડની સાધન સહાય અર્પણઃ
સુરત:શુક્રવાર: રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના ઉદ્દેશ સાથે રાજય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળો મેયર શ્રી દક્ષેશ માવાણી અને સાંસદ શ્રી મુકેશભાઈ દલાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કતારગામ ખાતે SMC કોમ્યુનિટી હોલ, વસ્તાદેવડી ખાતે આયોજીત મેળામાં સાંસદ અને મેયર તથા અન્ય પદાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ૩૯૬૪૦ લાભાર્થીઓને રૂ.૧૩૬ કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજ્યમાં ૧૩ તબક્કાના ૧૬૦૦થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં ૧.૬૬ કરોડથી વધુ લાભાર્થીઓને રૂા.૩૬,૮૦૦ કરોડની સહાય મળી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦ ગરીબ કલ્યાણ મેળામાં ૧.૭૮ લાખ લાભાર્થીઓને ૧૮૬૮ કરોડના લાભો એનાયત કરાયા છે. આ સરકાર આત્મનિર્ભર ભારતને સિધ્ધ કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. સરકારે વચેટીયાઓને નાબુદ કરી લાભાર્થીઓને સીધા લાભો આપી રહી છે. આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓથકી લાખો લોકોના આરોગ્યની જવાબદારી સરકાર વહન કરી છે. કોરોના બાદ અનેક લોકોને પગભર કરવા માટે પી.એમ.સ્વનિધિ યોજના અમલમાં મુકી છે. જેના લાભથકી હજારો લોકો આત્મનિર્ભર થયા હોવાનું મેયરે જણાવ્યું હતું.
આ પ્રસંગે સુરતના સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે,તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. ગરીબોને આર્થિક સહાય આપીને તેઓ આત્મનિર્ભર બને તેવા ધ્યેયને સરકાર આગળ વધી રહી છે. દરેક વર્ગને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકીને તેઓને પગભર બનાવવાનું કાર્ય સરકાર કરી રહી છે. જનજનના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો હાથોહાથ એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો લોકોને ઘરના ઘર મળ્યા છે. દીકરીઓનું ભવિષ્ય ઉજળુ થાય તે માટે વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃધ્ધિ જેવી અનેક યોજનાઓ સરકારે કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ,, કુંવરબાઈ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેત મજુરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાઓના લાભોની સહાય કિટ્સનું વિતરણ કરાયું હતું.
આ અવસરે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ડીસા ખાતે આયોજીત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, ડે. મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ડે.મ્યુ.કમિશનર આર.બી.ભોગાયતા, રાજેન્દ્ર પટેલ તથા કમલેશ નાયક, પાલિકા આસી.કમિશનર ગાયત્રીબેન જરીવાલા તથા પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.