સુરત,સુરતના કીમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસનાં સૂત્રો અને રેલવેનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. NIAને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં.
જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાઇલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે 71 પેડલોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે, આથી શંકા છે કે પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યાં હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડ્યંત્રની સૌથી મહત્ત્વની ફિશપ્લેટ સવારે 5થી 5.20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર રાખવામાં આવી હશે. પહેલા પેડલોક હટાવવા અંગે શંકા છે, પરંતુ 20 મિનિટમાં ફિશપ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં આ શખસોએ રાત્રે 3 વાગ્યાથી વધુ સમય પછી એક પછી એક લોક ખોલ્યા હશે અને ટ્રેન આવી ત્યારે છુપાઈ ગયા હશે. જ્યારે તેણે સવારે 5થી 5.20 વાગ્યાની વચ્ચે ફિશપ્લેટ ખોલીને એને ટ્રેક પર રાખી હતી, જે સમયસર ગેંગમેનની નજરમાં આવી હતી.