Home SURAT નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ એન્ટીમાઈક્રોબિઅલ્સ જનજાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ એન્ટીમાઈક્રોબિઅલ્સ જનજાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી

56
0
નવી સિવિલ તંત્ર દ્વારા સપ્તાહ દરમિયાન જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

 મેડિકલ પ્રિસ્ક્રીપ્શન વિના જાતે જ એન્ટીબાયોટિક દવાઓ લેવી શરીર માટે હાનિકારક છે

 ખાનગી હોસ્પિટલો પણ એન્ટીબાયોટિક પોલિસી બનાવે તે અતિ આવશ્યક: ડો.સુમેયા મુલ્લા, માઈક્રોબાયોલોજી વિભાગના વડા

નવી સિવિલ તંત્ર દ્વારા સપ્તાહ દરમિયાન જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

સુરતઃગુરૂવારઃ સરકારી મેડિકલ કોલેજ-સુરત અને નવી સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ થી ૨૪ નવે.- ‘વર્લ્ડ એન્ટીમાઈક્રોબિઅલ્સ અવેરનેસ વીક (વિશ્વ સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક જનજાગૃત્તિ સપ્તાહ)ની ઉજવણી કરવામાં આવી હતી. GSBTM-ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, DST- સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સહકારથી આયોજિત જાગૃત્તિ સપ્તાહના અંતિમ દિને નવી સિવિલના ફિઝીયોલોજી વિભાગના સભાગૃહમાં ‘સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધ, સુપરબગ્સ અને વન હેલ્થ’ વિષય પર નેટવર્ક પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં માઈક્રોબાયોલોજી, પેથોલોજી, બાયોકેમ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ તબીબી અને ટેકનિકલ સ્ટાફને માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમમાં નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો.સુમેયા મુલ્લાએ જણાવ્યું હતું કે, વ્યવસ્થિત રીતે હાથ ધોવાથી ૭૦ ટકા ઈન્ફેક્શન રોકી શકાય છે. મેડિકલ પ્રિસ્ક્રીપ્શન વિના જાતે જ એન્ટીબાયોટિક દવાઓ લેવી શરીર માટે હાનિકારક છે. ઈન્ફેકશન થાય, શરીરમાં કોઈ સમસ્યા થાય એ માટે ટેસ્ટ કરાવીને દવા લેવી જોઈએ. ખાનગી હોસ્પિટલો પણ એન્ટીબાયોટિક પોલિસી બનાવે તે અતિ આવશ્યક છે. જેમાં લોકોને જાતે જ પ્રિસ્ક્રીપ્શન વિના દવા લેવાથી થતા નુકસાન વિષે જાગૃત્ત કરવા જોઈએ. જેથી દર્દીઓના જીવન બચાવી શકાશે.
ડો.સુમેયા મુલ્લાએ વધુમાં કહ્યું કે, એન્ટીબાયોટિક્સના વ્યવહારૂ અને તાર્કિક ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝને મજબૂત કરવાની, તેમાં સુધારા કરવાની તેમજ લોકજાગૃત્તિ કેળવવાની જરૂર છે. પશ્ચિમના દેશોમાં એન્ટીબાયોટીક દવાઓનો નિયંત્રિત ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીમાઈક્રોબિયલ પ્રિસ્ક્રિપ્શન ધારણા આધારિત નહીં,પરંતુ ચોક્કસ નિદાન આધારિત હોવું જોઈએ એમ જણાવી તબીબોની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓનું સેવન ન કરવા પર ભાર મૂક્યો હતો.
ડો.સંગીતા રેવડીવાલા, ડો.ક્રિસ્ટી અને ડો.વિદિશાએ રોગોને ફેલાવતા બેક્ટેરિયાથી બચવાની કાળજી અને તકેદારી અંગે ઉપયોગી સમજ આપી હતી.
જુનિયર રિસર્ચ ફેલો દક્ષિતા માંડાણી અને દિપાલી મિસ્ત્રીએ હેન્ડ હાઈજીન ડેમોન્સ્ટ્રેશન કરીને હાથ ધોવાની યોગ્ય રીતો સમજાવી હતી. રેસિડેન્ટ તબીબોએ PG વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ ક્વિઝ સ્પર્ધા યોજી હતી અને તેમના જ્ઞાનમાં વધારો કર્યો હતો. એસો.પ્રોફેસર ડો.તન્વી સુખારામવાલાએ વન હેલ્થ વિષય પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
સપ્તાહ દરમિયાન સિવિલના તમામ વોર્ડમાં, ઓપીડીમાં જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવા સાથે PG વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા અને ઈનામ વિતરણ, MICU, NICU અને SICU સ્ટાફને AMR જાગૃતિ અને હેન્ડ હાઈજીન, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પોસ્ટર મેકિંગ-ઈનામ વિતરણ અને આરોગ્ય વિષયક તાલીમ, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પોસ્ટરો દ્વારા જનજાગૃત્તિ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here