બે દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગત 3 જુલાઈએ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતાં જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતાં તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું.
ધર્મિષ્ઠા ચૌહાણ, મૃતક
20 જુલાઈ 2024ના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં સચિનથી ડીંડોલી જતાં કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી હતી. બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડ્રમમાં માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતાં. ડ્રમ ખૂબ જ ભારે હતું અને ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા, જેથી પોલીસે મૃતદેહ સહિત ડ્રમને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
સંજય પટેલ, આરોપી
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભેસ્તાન પોલીસની 6 ટીમ, તેમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે બનાવવાળી જગ્યાની આજુબાજુના 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા. આ ઉપરાંત 50થી વધુ સોસાયટીઓ ચેક કરી હતી તથા 20થી વધારે લેબર કન્ટ્રકશન સાઈટો ચેક કરી હતી. દરમિયાન પોલીસે જે બેરેલમાંથી લાશ મળી હતી, તેના ઉપર જી.એ.સી.એલ અને તેના પર બેચ નંબર લખેલો હોય, જે બેચ નંબરના આધારે કેમિકલનું બેરેલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરેલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા.
ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે, આરોપી સંજય કરમશીભાઈ પટેલ તેની પત્ની સાથે શંકા વહેમ રાખતો હતો, જેને લઈને બંનેને બોલાચાલી થતાં ઘરમાં દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ ડ્રમ અને 50 કિલોની સિમેન્ટની થેલી લાવ્યો હતો અને બાદમાં તેણે બહારથી માણસો બોલાવીને કહ્યું હતું કે, આ માતાજીનો પૂજાપાનો સામાન છે, તેને પાણીમાં પધરાવવું છે તેમ કહીને 4 મજૂરો અને ટેમ્પાને બોલાવીને ભાણોદ્રા ગામની સીમમાં નિકાલ કર્યો હતો.