કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.
ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર
સુરત:સોમવાર: ભારતીય ચૂંટણી પંચન નાયબ ચૂંટણી કમિશનરશ્રી હૃદેશ કુમાર અને પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી એસ.બી.જોશીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લા ચૂંટણી તંત્રની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારની બેઠકોના જનરલ ઓબ્ઝર્વરો, પોલીસ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરો પાસેથી સંબંધિત વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી કામગીરીથી વાકેફ થઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સુરતના તમામ વિધાનસભા વિસ્તારોમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આયુષ ઓકે સુરત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્રલક્ષી કામગીરી અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે નિષ્પક્ષ અને ન્યાયી માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટેની પૂર્વતૈયારીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, મેનપાવર અને ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, મટિરીયલ, એમસીસી અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ડેટા એનાલિસિસ, સિટીઝન હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, માઈગ્રેટરી વોટર્સ જેવા મુદ્દા અને ચૂંટણીને લગતી સંબંધિત કામગીરી અંગે સમજ આપી હતી.
બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર સર્વશ્રી વિનીતકુમાર, શ્રીમતી કંચન વર્મા, કુ.પ્રિતી મીણા, સુરેશ ચૌધરી, ઉમાનંદ ડોલી, રાજેશ કુમાર, દિપાંકર ચૌધરી, હર્ષલ પંચોલી, કૃણાલ સિલ્કુ, પોલીસ ઓબ્ઝર્વરો શ્રી પુનિત રસ્તોગી અને શ્રીમતી કલ્પના નાયક ડી., એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરો સર્વશ્રી મુરલી મોહન, ગજેન્દ્ર સિંઘ, અનુરાગ ત્રિપાઠી અને પ્રશાંત સિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ અને રિટર્નિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.