વિશ્વાસ અપાવવા ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા
સુરતના રીંગ રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખની છેતરપિંડી કરનાર ડુપ્લિકેટ નાયબ કલેક્ટર હેતલ કુમારી સંજયભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી હતી. જેની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતા એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ઠગ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
જેમાં હાલમાં જ રીંગરોડ પર જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા બાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સામે અને તેના મળતીયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને જીજા-સાળી પાસેથી રૂપિયા 1.40 લાખ પડાવી લીધા હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા. જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.