સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો
ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને પુરસ્કાર એનાયત
સુરતઃમંગળવારઃ- ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે.
ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૩’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- રાજકોટે દ્વિતીય ક્રમ અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- બનાસકાંઠાએ તૃતીય ક્રમે પ્રાપ્ત કર્યો હતો. મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને રૂ.૧.૨૫ લાખની સન્માન રાશિ અને શિલ્ડ એનાયત કરાયા હતા.
બેઠકમાં બંદર અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના સચિવ શ્રી નીપુણા તોરવણે, શહેરી વિકાસ વિભાગના સચિવશ્રી, વાહન વ્યવહાર કમિશનરશ્રી, ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના રોડ સેફટી કમિશનરશ્રી, GSRTCના ઉપાધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.