Home GUJARAT પલસાણાની સ્પેકટ્રમ ડાઈઝ એન્ડ કેમિકલ્સ કંપનીમાં ક્લોરિન ગેસ લિકેજની સફળ મોકડ્રિલ

પલસાણાની સ્પેકટ્રમ ડાઈઝ એન્ડ કેમિકલ્સ કંપનીમાં ક્લોરિન ગેસ લિકેજની સફળ મોકડ્રિલ

20
0
ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ

ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ

ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન

સુરત:મંગળવાર: પલસાણાની સ્પેકટ્રમ ડાઈઝ એન્ડ કેમિકલ્સ લિ.ના પ્લાન્ટમાં ક્લોરિન ટોનરમાં લિકેજ થતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઈમરજન્સી સંસાધનો, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, CHC અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ૪૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ પર કાબૂ મેળવાયો હતો. ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૨ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી.
આજે પલસાણાની સ્પેકટ્રમ,ડાઈંઝ એન્ડ કેમિકલ્સ લિ.માં ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.


બપોરે ૦૩.૦૦ વાગ્યે કંપનીમાં ટોનર વાલ્વમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. જેની જાણ ક્લોરિન યાર્ડના સુપરવાઈઝરને થતા તેણે સેક્શન ઈન્ચાર્જ અને સેફ્ટી એચઆર અને સિક્યોરિટીને જાણ કરી હતી, જેથી કંપનીના ફાયરમેન, ઓએચસી સ્ટાફ અને સિક્યોરિટી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ ગેસ લિકેજ વધતું હોવાથી ૦૩.૦૮ વાગ્યે ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. ૦૩.૨૨ વાગ્યે લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. સિટી પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. લિકેજ સ્થળની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત મામલતદાર પલસાણા એમ.વી.પટેલ ૦૩.૪૦ વાગ્યે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું.
ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૨ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડયા હતા, કંપની અને ફાયર, ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી.
મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપલે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહતબચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું. ઈમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લિકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટીકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.
સંયુક્ત નિયામકશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરી દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં લોકલ ક્રાઈસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના આસિ. ડિરેક્ટર આર.આર.જોષી, GPCBના પ્રાદેશિક વડા જિજ્ઞા ઓઝા, કંપનીના DGM બલબીરસિંહ પિલાનીયા, કામરેજ મામલતદાર આર.એસ ઠાકોર, પલસાણા પી.આઈ. એ.ડી. ચાવડા, જિલ્લા ડિઝાસ્ટરના સૌ સભ્યો, આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here