બાળકના કુમળા માનસને માતાપિતાનું વર્તન-વ્યવહાર અતિ પ્રભાવિત કરે છે -: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
સુરતના વેડ ગામ ખાતે વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ ‘અયોધ્યોત્સવ’ યોજાયો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરતના વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ, વેડ રોડ ખાતે વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ-‘અયોધ્યોત્સવ-૨૦૨૪’ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન, પરિવારભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમ્મત સ્વરૂપે સમજાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશને વિશ્વગુરૂ બનાવવા માટે શિક્ષણ જ કારગર શસ્ત્ર છે. દેશના શિક્ષિત, પ્રતિભાશાળી બાળકો, વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રામાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકના કુમળા માનસને માતાપિતાના વર્તન વ્યવહાર અતિ પ્રભાવિત કરે છે. માતાપિતા અને પરિવારજનોના સારા નરસા વ્યવહારને નિહાળીને બાળક સંસ્કારી અથવા અસંસ્કારી બને છે એટલે જ પરિવારમાં સંસ્કારી વાતાવરણ ઉભું કરવું એ અતિ આવશ્યક છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
બાળક ભારતીય સંસ્કૃતિ રામાયણ અને મહાભારતની સંસ્કૃતિ છે એમ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ છે. માતાપિતાની આજ્ઞાને શિર પર ચઢાવી ૧૪ વર્ષ વનવાસ ભોગવવા સાથે રાજપાટનો ત્યાગ કરવો એ અપ્રતિમ ત્યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે. રામલલ્લા અયોધ્યા મંદિરમાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે, વડાપ્રધાન શ્રી અને ગુર્જરરત્ન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ બની છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણની કરોડો ભારતીયોની અપેક્ષા પૂર્ણ થઈ છે. સમગ્ર દેશમાં રામલલ્લાની સ્થાપનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે આપણી ધર્મ પ્રત્યેની આસ્થાને પ્રદર્શિત કરે છે.
શાળાનાં ટ્રસ્ટી અને ચેરમેનશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરીને રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારીને ગોધાણી સ્કૂલના સિંધ્ધાંતોનીછણાવટ કરતા કહ્યું હતું કે, ગોધાણી આ સ્કૂલ એ બાળકને માનવીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું સિંચન કરે છે. દર મહિનાના છેલ્લા સપ્તાહમાં સ્કૂલમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે-તે મહિનામાં વિદ્યાર્થીઓ આ યજ્ઞમાં બેસે છે, જેથી સંસ્કૃતિની સમજ બાળકોમાં કેળવાય. તેમજ સ્કૂલના તમામ બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલે છે એ અહીંની વિશેષતા છે.
આ વેળાએ સમારોહમાં વૈદિક યજ્ઞમાં ઉપસ્થિત રહી રાજ્યપાલશ્રીએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. શાળાપરિવાર દ્વારા મંત્રીશ્રીઓનું ‘રામચરિત માનસ’ ગ્રંથ આપી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, રામકૃષ્ણ ગ્રૂપના ચેરમેન અને અગ્રણી સમાજસેવક ગોવિંદભાઈ ધોળકિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, જયંતિભાઈ નારોલા, વિનોદભાઈ ગોધાણી, અરજણભાઈ ધોળકિયા, શ્રેયાંસભાઈ ધોળકિયા, વી.એન.ગોધાણી સ્કૂલના ડાયરેક્ટર ભાવેશભાઈ લાઠીયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.