સુરત, સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તા.૧૦મી જાન્યુ.એ અડાજણ રિવરફ્રન્ટની બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કાઇટ ફેસ્ટિવલની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેકટરએ રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૫૦ થી વધુ પતંગબાજો ભાગ લેશે, જેમના અવનવા પતંગોના કરતબો માણવાની સોનેરી તક મળી રહેશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે એમ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, સિટી પ્રાંત-સુરત નાયબ કલેક્ટર વી.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નર ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.