ગેરકાયદે સોફટવેરથી ટિકિટ બુકિંગ કરતો 17.36 લાખની 631 ઇ-ટિકિટ જપ્ત
પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમે બાતમી આધાર પર સેલવાસામાંથી તત્કાલ બુકિંગ કરનારા શશી પ્રકાશ સિંહની ધરપકડ કરી છે. જે ગેરકાયદેસર સોફ્ટવેરથી ટ્રેનોની ટિકિટ બુક કરીને ટિકિટ વેચી રહ્યો હતો. ટીમને શશીના ઘરની તપાસ કરી તો નેક્સસ અને ગદર એમ બે ગેરકાયદેસર સોફ્ટવેર મળી આવ્યા હતા. 15 એપ્રિલથી યુપી અને બિહાર તરફની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતા પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે.જેના પગલે તેમને પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે. જોકે, એ વાતની જાણ પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમને થતા જ તેમણે ઇ-ટિકિટમાં ફ્રોડ કરનાર સાથે ઇ-ટિકિટ બુક કરવા માટે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
અલગ અલગ આઇપી એડ્રેસ સાથે એક સમયે ત્રણ જેટલા સર્વર ઓપરેટ કરતો હોવાનું જણાયું છે. એના લેપટોપમાંથી 1.20 લાખથી વધુની 38 તત્કાલ અને ઓપનિંગ ટિકિટ મળી હતી. નેક્સસ અને ગદર સોફ્ટવેરમાંથી રીકવર કરાયેલ છેલ્લા 30 દિવસના ટિકિટ ઇતિહાસની સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 539 પીએનઆર જનરેટ થયાનું જણાયું હતું, જેની કિંમત રૂ. 14.62 લાખ છે. આરોપી શશી પેસેન્જરોને ટિકિટ મોકલવા માટે 17 ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરતો હતો. દરમિયાન તપાસમાં 17.36 લાખ રૂપિયાની 631 ઇ-ટિકિટ પકડાઈ છે.