Home SURAT વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત...

વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે

56
0
KRANTI SAMAY

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે

૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો: ૧૭૫ દેશોના વેપારીઓ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે આવશે

ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે

રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશેઃ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે

વિશ્વના ખૂણે ખૂણાથી સુરત આવનાર ડાયમંડ બાયર્સને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ: ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે

અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં બન્યું છે

‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ

સુરત, રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે. અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.
સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.
અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં ૨૭ ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં ૨ લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ૪ લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.
બુર્સ ૧૩૧ હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ ૩ મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને ૧૬માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. ૩૫.૫૪ એકરના સમગ્ર બુર્સ પરિસરમાં ૧૫ એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી, મુલાકાતી બુર્સના ૯ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર ૩ મિનિટ લાગશે.
બુર્સના કોર કમિટી મેમ્બર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.૧૫/૦૨/૨૦૧૫ ના રોજ સુરતના મગદલ્લા પાસે, ખજોદ ખાતે ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું પણ શ્રીમતી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ બુર્સ ઝડપભેર સાકાર થાય એ માટે ઉમદા સહયોગ આપ્યો હતો.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવતા થશે જેથી સુરતનું નામ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થશે. અહીં ૪,૨૦૦થી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે, ઉપરાંત ૧.૫ લાખ લોકોને રોજગારીની તકો મળશે. વૈશ્વિક નેતા અને વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સ ખૂલ્લું મૂકાશે, જે ભારતીય અને વિશ્વના વ્યાપારી જગત માટે ઐતિહાસિક કદમ તરીકે અંકિત થશે એમ શ્રી સવાણીએ ઉમેર્યું હતું.
ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે એનો આનંદ વ્યક્ત કરતા શ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જાણીતી ડાયમંડ કંપનીઓ ઉપરાંત જે MSME(Micro, Small and Medium Enterprises)ના નાના ઉદ્યોગકારો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે પણ અહીં ઓફિસો ખરીદી છે. જેથી હવે ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેનો સીધો લાભ તમામ વેપારીઓને થશે. બુર્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કોન્સેપ્ટ અંતર્ગત ૧૮૦૦ KLD સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટરને રિસાયકલિંગ કરવામાં આવશે, તેમજ ૪૦૦ કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ ઉભો કરાયો છે, જેનાથી પ્રદુષણ નિયંત્રણ સાથે પર્યાવરણની સુરક્ષા જળવાશે.
ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે જે બદલ ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ઘણી મુશ્કેલીઓ હતી. જેનું ઉદાહરણ આપતા શ્રી વલ્લભભાઈએ કહ્યું કે, સુરત મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ છે, જ્યારે મુંબઈ ડાયમંડ ટ્રેડિંગનું હબ છે. જેથી વેપારીઓને બન્ને શહેરોમાં ઓફિસ રાખવી પડતી હતી. જેનો વિવિધ ખર્ચ અને ઓપરેશનલ કોસ્ટ પણ વધુ રહે છે. પરંતુ હવે બુર્સ સાકાર થતા હીરા કટિંગ પોલિશિંગમાં મોખરે રહેલા સુરતમાં જ ડાયમંડ ટ્રેડીંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.
શ્રી લખાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ બુર્સના મેમ્બરોએ નવી હાઇડ્રોજન એનર્જીનો ઉપયોગ કરવા રચનાત્મક સૂચન કર્યું હતું, જેથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય, તેમના આ સૂચનનો અમલ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ.
સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયાએ ‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનશે, એ પણ એક અજાયબી સમાન છે એમ જણાવતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એ જે રીતે સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાકાર કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે એવો જ સંકલ્પ સુરતના હીરા ઉદ્યોગને નવી ચમક અને ગતિ આપવાનો સંકલ્પકૃત અને પ્રયત્નશીલ રહ્યા છે, તેમના આ વિઝનને અનુરૂપ બુર્સ નિર્માણ પામ્યું છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હરહંમેશ સહકાર સાંપડ્યો છે.
આમ, વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે અને ગુજરાતનું સુરત હીરા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ઝળહળશે. સાથોસાથ, SDB ગ્લોબલ ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ ખ્યાતિ પામશે.

SDB બનશે ડાયંમડના આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્રબિંદુ: અહીં વ્યાપારીઓને મળશે બહુઆયામી સુવિધાઓ
. . . . . . . . . . . . . . . .
૬૫ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ઓક્શન હાઉસ, સિકયોરીટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ૩૦૦ સ્કવેર ફુટથી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ ૯ ટાવર + ગ્રાઉન્ડ + ૧૫ માળ + ૨ બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં ૧૧,૦૦૦ ટુ-વ્હીલ અને ૫,૧૦૦ ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને ૪૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરાયું છે.

વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે
. . . . . . . . . . . . . . .
હીરાના ઉત્પાદનમાં સુરત શહેર વૈશ્વિક એપિસેન્ટર છે. આજે વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ અને પ્રોસેસિંગ સુરતમાં થાય છે. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ % છે. ગુજરાતના ૯૦% હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે, જે સીધી રીતે આ ઉદ્યોગ ૯ લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, એટલે જ સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’નું બિરૂદ આપવામાં મળ્યું છે.

વડાપ્રધાનશ્રી કહે છે…
. . . . . . . . . . . . . . .
સુરત ડાયમંડ બુર્સ સુરતનાં હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. જે ભારતની ઉદ્યોગ સાહસિક ભાવનાઓનો પણ પુરાવો છે. વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે. આપણી અર્થ વ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે: -વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(એક TWEET)

વૈશ્વિક નજરાણા સમાન SDB- સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
. . . . . . . . . . . . . . . .
 ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
 હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
 ૬૭ લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
 બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
સિસ્ટમ (BMS)
 ૩૦૦ સ્કવેર ફુટ થી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
 દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ ૧૪૦૭ ફુટ અને પહોળાઈ ઓછામાં ઓછી ૨૪ ફુટ
 ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
 સ્પાઈનમાં ૪ અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
 દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
 સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ (૩,૪૦,૦૦૦ રનીંગ મીટર પાઈપ)
 ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
 સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
 ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-૨૧ ફુટ, ઓફિસ-૧૩ ફુટ
 મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: ૨૨૯ ફુટ
 ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
 યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
 સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
 પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
 દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
 એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
 ૫૪,૦૦૦ મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
 ૫ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
 ૧૧.૨૫ લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
 ૧૨ લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, ૫.૫૦ લાખ રનીંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
 ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here