સચિનની એથર ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે 48 કલાક બાદ પણ બેદરકારીનો ગુનો નોંધ્યો નથી. આગ કાબૂમાં આવ્યા બાદ પતિની શોધખોળમાં કંપનીની અંદર ગયેલી એક મહિલા કંકાલો જોઈને ત્યાં જ ઢળી પડી હતી. પ્રાથમિક રીતે ખબર પડી છે કે કંપનીમાં 25 હજાર લિટરની કેમિકલ ટેન્કમાં લીકેજ થતાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી.
આગ બુઝાવવા 10 હજાર લિટર ફોમ વપરાયું
કંપની તરફથી દરેક મૃતકોને 50 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 25 લાખની સહાય
કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાની ગોઝારી ઘટનામાં 7 કામદારો બળીને ભળથુ થઇ ગયા હતા. જ્યારે 28 કર્મચારીઓ દાઝી ગયા હતા. સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લી. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મોતને ભેટેલા કામદારો અને ઇજાગ્રસ્ત માટે કંપની દ્વારા સહાય આર્થિક સહિતની સહાય જાહેર કરવામાં આવી છે.
જેમાં મૃતકના પરિવારોને રૂ.50 લાખની સહાય આપવામાં આવશે. પરિવારના સભ્યને ઇચ્છા હશે તો તેમને નોકરી આપવામાં આવશે, તેમજ તેમના બાળકોના અભ્યાસની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. જ્યારે આ અકસ્માતમાં ઇજા પામનારા કે જેમને અપંગતા કે કાયમી ખોડ આવે તેવા કામદારોને રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.
25 હજાર લિટરની કેમિકલ ટાંકી લીક થયા બાદ ધડાકો થયો
એથર ઈન્ડસ્ટ્રીમાં ભભૂકી ઉઠેલી આગમાં ગુમ થયેલા પતિને શોધવા માટે પત્નીએ દિવસ અને રાત રઝળપાટ કરી હતી. રઝળપાટ બાદ ગુરુવારે સવારે કંપનીમાં પ્રવેશેલી પત્ની બળેલા કંકાલો જોઈ ત્યાંજ ઢળી પડી હતી. ગુમ થયેલા સનદકુમારના હમ વતની વિવેકસિંગે જણાવ્યું હતું કે સનદકુમાર એથર ઈન્ડસ્ટ્રીમાં ત્રણ-ચાર વર્ષથી કામ કરતા હતા તેમને સંતાનમાં બે દીકરીઓ છે સનદકુમાર નાઈટ શીફ્ટમાં હતા સવારે ઘરે ન પહોંચ્યા તો પત્નીને ચિંતા થવા લાગી. કંપનીમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી વાત પણ થઈ શકી નહી.
જેથી તેમના પત્ની કંપની પહોંચ્યા પણ અંદર પ્રવેશ બંધ હોવાથી પરેશાન થઈ ગયા અમને જાણ થઈ જેથી અમે તેમની સાથે પહોંચી પૂછપરછ કરી તો ત્યાંથી જવાબ મળ્યો કે પાંચ થી છ વ્યક્તિઓ મીસીંગ છે. અંદર જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. આજે સવારે અમે સનદકુમારની પત્નીને લઈ કંપનીમાં અંદર ગયા. જ્યાં માનવ કંકાલો જોઈ તેમના પત્ની બેભાન થઈ ઢળી પડ્યા હતા.