પાલિકા પાસે કુલ 18 શબવાહિની છે, જેમાંથી 10 કોન્ટ્રાક્ટ હેઠળ, 4 સાંસદની ગ્રાન્ટમાંથી મળેલ એસી શબવાહિની છે, જ્યારે 4 ફાયર વિભાગની પોતાની છે. જો કે, 18 પૈકી રોજ એક્લ-દોકલ શબવાહિની ડ્રાઇવર રજા પર હોવાથી કે બ્રેકડાઉન થતા બંધ રહે છે, જેથી 14 જ શબવાહિની કાર્યરત રહે છે. બીજી તરફ શહેરમાં નવા 27 ગામો અને 2 પાલિકાનો પણ સમાવેશ કરાયો છે ત્યારે ડિમાન્ડ પણ વધી રહી છે. હાલમાં ફાયર વિભાગને સરેરાશ 80થી વધુ કોલ આવતા હોય છે ત્યારે શબવાહિની અન્ય રૂટ પર વ્યસ્ત હોવાથી સમયસર મળી શકતી નથી. જેને લઇ ઘણી ફરિયાદો થઇ હતી. જેથી પાલિકાએ નવી બે શબવાહિની ખરીદી કરવાનું આયોજન કર્યું છે. નવી બે શબવાહિની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટના ફંડમાંથી ખરીદી કરાશે. પાલિકાના ફાયર વિભાગની ડિમાન્ડને ધ્યાને લઇ 17 લાખની નવી બે શબવાહિની ખરીદવાનો નિર્ણય લેવાયો છે. નવી શબવાહિની પણ મિની હોવાથી માત્ર શબ જ લઇ જવાશે, જ્યારે બેઠક માત્ર 4 કે 5ની જ હોવાની માહિતી મળી છે.