સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિક ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.
સ્મીમેર અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર લોકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.