સુરત, સચિનમાં ભાડાના રૂમમાં રહેતા યુવકનું રૂમ પાસે કરંટ લાગતા મોત થયું. યુવક સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. આખો પરિવાર વતન યુપીમાં છે. કૃષ્ણાકાંત એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથી જોડાયેલા કૃષ્ણાકાંતને એક બાળક છે. પત્ની, માતા-પિતા અને ભાઈ વતનમાં રહે છે. યુવકના મોતના પગલે એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતકના પિતરાઈ ભાઈ સંજય સિંગે જણાવ્યું હતું કે ઘટના રાતની છે. કામ પરથી આવ્યા બાદ રૂમ પાર્ટનર ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેલેરીમાં બેસેલા કૃષ્ણાકાંતને બોલાવવા જતા તણખલા નીકળતા જોઈ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક બુમાબુમ કરી મિત્રોને ભેગા કર્યા હતા. 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરોએ કૃષ્ણાકાંતને મૃત જાહેર કર્યો હતો. રૂમની ગેલેરીમાં ખુલ્લા વીજ વાયરોને અડી જતા મોત યુવકના મોતની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પોસ્ટ મોર્ટમની કામગીરી શરૂ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.