‘નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા આવી ગ્રામજનોને ઉનાળામાં થતી પાણીની સમસ્યાનું નિવારણ થશે: મંત્રી મુકેશભાઇ’
સુરત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે L&T કંપની હજીરાના CSR ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તળાવની ઊંડાઈ ૨.૫૦ મીટર છે અને તેમાં સેફટી ફેન્સિંગ વોલ, પેવર બ્લોક ફિટિંગ તેમજ પતરાનાં શેડનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે L&T કંપનીના સહયોગથી વાંસવા ગામે લોકહિતાર્થે નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા રહેશે જેથી ઉનાળામાં પાણીની સમસ્યાનું નિવારણ થશે. L&T કંપની દ્વારા નાના અને કાંઠાના ગામોમાં શિક્ષણ,આરોગ્ય તેમજ પાણીની મૂળભૂત સુવિધાઓ માટે કરાતા વિકાસ કાર્યોને પણ મુકેશભાઈએ બિરદાવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમૃત સરોવર બનાવવા પાછળનું મુખ્ય કારણ નીતિ આયોગનો રિપોર્ટ છે. જેને આધારે ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા પાણી ભૂગર્ભમાં ઉતરી જશે. નીચે ઉતરતા પાણીના આ સ્તરને ઉપર લાવવા માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત અમૃત સરોવરનું નિર્માણ કરાય રહ્યું છે. જે માટે પ્રથમ વખત મળતી કાર્બન ક્રેડિટ પ્રમાણે વોટર ક્રેડિટ મળશે. જેમાં વરસાદનું પાણી હાર્વેસ્ટ કરીને જમીનમાં ઉતારવામાં આવશે અને તેની પર મીટર મૂકવામાં આવશે. તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૮ હજાર ગામડાઓમાં આ કામ કરવામાં આવશે. જેનાથી ભૂગર્ભમાં પાણીના સ્તર ઊંચા લાવી રિચાર્જ થતા પાણી માટે ક્રેડિટ મળશે તેમજ પંચાયતની આવક વધી પાણીના સ્તર પણ ઊંચા આવશે. આ પ્રસંગે વાંસવા ગામના સરપંચ કૈલાસબેન રાઠોડ, ઉપસરપંચ તેજસભાઈ પટેલ,L & T વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ સંજયભાઈ દેસાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર અલ્પાબેન, ચોર્યાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન, ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.