વોટર સંપના નિર્માણથી દાંડી ગામના ૪૫૦૦ થી વધુ ગ્રામજનો લાભ થશેઃમંત્રી મુકેશભાઇ પટેલ
‘સંપના નિર્માણથી ગ્રામજનોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનુ જીવન સરળ બનશે’: મંત્રી મુકેશભાઇ પટેલ
સુરત, ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી દાંડી ગામે પાંચ લાખ લિટરની ભૂગર્ભજળ ટાંકીનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાંડુત ત્રણ રસ્તાથી પાંચ કિલોમીટર જે પાણી માટે પાઇપલાઇનની જરૂર હતી તે માટે ૨.૫ કિ.મી પાઇપલાઇન સરકારશ્રી દ્વારા અને ૨.૫ કિમી લાંબી પાઇપલાઇન L&T હજીરા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.જેથી ગામને બારેમાસ પાણી પ્રાપ્ત રહેશે અને તેથી પાણી અંગેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટા ઉદ્યોગોના આસપાસના ગામોની માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે.જેનાથી રોજગારીના નિર્માણની સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે.વોટર સંપના નિર્માણથી ગામ લોકોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનું જીવન સુખમય બનશે.વધુમાં મંત્રીએ આવનારા સમયમાં ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ તેમજ અન્ય વિકાસના કાર્યો થકી કાંઠાના ગામોની સુવિધાઓ વિકસાવવા અંગેની જણાવ્યું હતું. આ પ્રંસગે ઓલપાડ તાલુકાના પ્રમુખ અમિતભાઈ પટેલ, દાંડી ગામના સરપંચ વેણીલાલ, ઉપસરપંચ પ્રેમિલાબેન, L&T હજીરા માંથી આવેલ અધિકારીઓ આલોક સરકાર, રંજિત બજાજ, મહિપાલ રાવત,તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.