સુરત ઇચ્છાપોરના વાસવાગામ નજીક એલ એન્ડ ટીના બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. બન્ને યુવાનો તેના ગામથી ઇચ્છાપોર ઘરે પરત ફરતા કાળનો કોળિયો બની ગયા હતા. ઇચ્છાપોર ગામના સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે બન્ને એલ એન્ડ ટીમાં કોન્ટ્રાકટ પર જોબ કરતા હતા. સાગર અપરિણીત અને જતીન પરિણીત અને બે દીકરીઓનો પિતા હતો. ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે ઘટના લગભગ મોડી રાતની છે. બન્ને યુવાનો વાસવાગામના રોડ પરથી ઝાડી ઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળ પાસે બાઇક પણ મળી આવ્યું હતું. તપાસ કરતા બન્ને યુવાનો ઇચ્છાપોર ગામના રહેવાસી જતીન રમેશભાઈ પટેલ અને સાગર બળદેવભાઈ પટેલ હોવાનું જણાઈ આવ્યું હતી.
ઇચ્છાપોર ગામના સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે 30 વર્ષીય સાગર પટેલ અપરણીત હતો અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. પિતા ખેડૂત છે. જ્યારે એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ પર સુપરવાઇઝરની નોકરી કરતો હતો. મૃતક જતીન 33 વર્ષનો હતો. 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને બે દીકરીઓનો પિતા છે. માતા શાકભાજી વેચે છે અને પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શ્રમજીવી પરિવારનો આર્થિક સહારો છીનવાઈ જતાં પરિવારમાં શોકનો કાલિમા છવાઇ ગઇ છે. જતીન અને સાગર તેના ગામથી બાઇક પર પરત ફરતા સ્લીપ મારી જતા મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.