સુરત, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ સુરત જિલ્લા વહીવટીતંત્ર, સુરતનાં સંયુક્ત ઉપક્રમે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનો સન્માન-અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત દેશની આઝાદીમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા ૩ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું અભિવાદન કરાયું હતું. મૂળ સુરતના સ્વતંત્રતા સેનાનીઓ લલિતાબેન નાયક અને કમલાબેન ચૌધરીના વારસદારોનું મોમેન્ટો, શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું.
જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી રાધિકા લાઠીયાએ ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને આવકારી દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોનાં બલિદાનને યાદ કરી આઝાદીનું ખરૂ મૂલ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી જી.જી.વળવી, વિવેકાનંદ મંડળ પ્રમુખશ્રી વિજયભાઇ રાદડિયા તેમજ રમત-ગમત વિભાગના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.