વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદીની લક્ષ્ય સિદ્ધિ માટે સમગ્ર દેશ સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિએ બારડોલી તાલુકાના સરભોણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી સુરત જિલ્લાના ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે સિકલસેલ એનિમિયા નિર્મૂલન કાર્ડ અને આયુષ્યમાનકાર્ડનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો મધ્યપ્રદેશ ખાતેથી દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સમગ્ર દેશને વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ૭૦૬ સમુદાયો ધરાવતો આદિવાસી સમાજનો દેશની કુલ વસ્તીમાં ૬.૮ ટકા હિસ્સો છે, ત્યારે કેન્દ્ર સરકારની રૂ.૧૫,૦૦૦ કરોડની જોગવાઈ સાથે સરકારે આદિવાસી સમાજને સિકલસેલ મુક્ત બનાવી તેમના યોગ્ય ઘડતર માટેના સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આઝાદીના ૧૦૦ વર્ષે એટલે કે ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશમાંથી સંપૂર્ણ પણે સિકલસેલ નાબૂદી અર્થે ‘સિક્લસેલ મુ્કત ભારત’ના ધ્યેય સાથે સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પુર્ણતાના અવસરે વૈશ્વિક નેતા તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અવિરત કાર્ય કરી રહ્યા છે.એવી જ રીતે રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પેટલ પ્રજાની સુખાકારી માટે અનેકવિધ કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજ માટે સૌપ્રથમવાર ગુજરાત સરકારે રૂ.૩,૪૧૦ કરોડના બજેટની જોગવાઈ કરી આદિવાસી પ્રજાની સુખાકારી માટેનું પગલું માંડ્યું છે. તેમજ છેવાડાના આદિવાસી લોકોના હિત માટે સરકાર હંમેશા પ્રયત્નશિલ હોવાનું ઉમેરી સરકારની વનબંધુ યોજના થકી ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં અભ્યાસ કરી સમાજનું નામ ઉજવળ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ કાર્યરત ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ની વિશેષતા જણાવતા કહ્યું કે, સિક્લસેલની બિમારી આદિવાસી સમાજના લોકોમાં વધુ માત્રામાં હોવાથી તેઓને સિકલસેલ મુક્ત કરવા સરકાર તત્પરતાથી પોતાનું યોગદાન આપી રહી છે. વધુમાં સાંસદશ્રીએ સમાજમાં લગ્ન કરતા પહેલા કુંડળીની જગ્યાએ સિક્લસેલ સ્ક્રિનિંગ કરાવવાનુ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જો માતા-પિતા બંન્નેમાં સિકલસેલની બિમારી હશે તો જન્મ લેનાર બાળક પણ સિકલસેલની બિમારીનો ભોગ બનશે. જેથી તેમણે આ અભિયાન થકી ૦ થી ૪૦ વર્ષ સુધીના બાળકો-નાગરિકોનું સ્ક્રિનિંગ કરાવવા પર બહાર મૂક્યો હતો. તેમજ રોગનું નિદાન થતા સારવાર આપવામાં આવશે એમ પણ ઉમેર્યુ હતું. સરભોણમાં ઉપસ્થિત ડોક્ટરો અને નર્સોનું ડોક્ટર દિવસ નિમિતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ અને બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ દ્વારા તુલસીનો છોડ આપી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિ.પં.જાહેર આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જિનેશભાઈ ભાવસાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પંકજ ફણસિયા, મેડિકલ ઓફિસર ડૉ.જાગૃતિ શેઠ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ.કૌશિક મહેતા, એપિડેમિયોલોજિસ્ટ ડૉ.પરેશ સુરતી તેમજ સરપંચ શ્રીમતી રક્ષાબેન રાઠોડ સહિતના મહાનુભાવો, ગ્રામજનો, તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.